ઈરાનમાં કોલસાની ખાણમાં થયો ભયંકર વિસ્ફોટ, 30 લોકોના મોત
તેહરાન: ઈરાનમાં ગઈ કાલે રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પૂર્વી ઈરાનમાં ઈવેલી એક કોલસાની ખાણમાં ભયંકર વિસ્ફોટ (Blast in Iran coal mine) થયો હતો, એહવાલ મુજબ આ દુર્ઘટનામાં 30 લોકો માર્યા છે. મિથેન ગેસ લીક થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.
ઈરાનના સરકારી મીડિયાએ રવિવારે એક અહેવાલમાં માહિતી આપી હતી કે રાજધાની તેહરાનથી લગભગ 335 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં તાબાસમાં સ્થિત કોલસાની ખાણમાં શનિવારે મોડી રાત્રે આ દુર્ઘટના થઈ હતી, જેમાં 30 લોકો માર્યા ગયા હતા. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઘટનાસ્થળે ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓ બચાવ કામગીરી કરી રહ્યા છે. દુર્ઘટના સમયે ખાણમાં લગભગ 70 લોકો કામ કરી રહ્યા હતા.
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે, તેમણે કહ્યું કે “મેં મંત્રીઓ સાથે વાત કરી હતી અને અમે વિસ્ફોટનું કારણ શોધવા માટે પુરા પ્રયાસો કરી રહ્યા છીએ.”
પેજેશકિયાને એક ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે “17 ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.”
સરકારી અહેવાલમાં ઈરાનના રેડ ક્રેસન્ટના વડાને ટાંકીને જણાવ્યું કે 24 લોકો હજુ પણ ગુમ છે.
ઈરાનની કોલસાની ખાણોમાં આ પહેલા પણ આવી દુર્ઘટના થઈ ચૂકી છે. વર્ષ 2013માં બે અલગ-અલગ ખાણોમાં અકસ્માત સર્જાયા હતા. આ અકસ્માતોમાં 11 મજૂરોના મોત થયા હતા. આ પહેલા વર્ષ 2009માં પણ આવો જ એક અકસ્માત થયો હતો જેમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 2017માં પણ કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 42 લોકોના મોત થયા હતા.