ચીનમાં જન્મદરમાં ઘટાડો થતા હોસ્પિટલોમાં પ્રસુતિ વિભાગો બંધ થઈ રહ્યા છે, વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે
ભારતમાં વધી રહેલી વસ્તી દેશનો સૌથી મોટો પડકાર છે, વસ્તી નિયંત્રણ માટે સરકાર અને સામાજિક સંગઠનો સતત પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ચીનમાં વિપરીત સ્થિતિ જોવા મળી છે, ચીનમાં ઘટી રહેલી વસ્તી સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. ચીનની ઘણી હોસ્પિટલોમાં પ્રસુતિ વિભાગો બંધ થઇ રહ્યા છે. તેનું કારણ ચીનમાં સતત ઘટી રહેલો જન્મદર છે. જેના માટે ચીન સરકારની વસ્તી નીતિને જવાબદાર ગણવામાં આવે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ચીનની વસ્તી સતત ઘટી રહી છે. હાલ ચીનમાં ઓછીને ઓછી સ્ત્રીઓ ગર્ભધારણ કરી રહી છે. આની સીધી અસર હોસ્પિટલ પર પડી રહી છે, ચીનના ઘણા વિસ્તારોની હોસ્પિટલોમાં ડિલિવરી વિભાગો ખાલી પડ્યા છે.
ચીનની સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ કે આ વર્ષે ચીનમાં બાળ જન્મ દર ઘણો નીચો રહેવા રહેવાની શક્યતા છે અને પ્રસૃતિ હોસ્પિટલો મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ચીનના પૂર્વી ઝેજિયાંગ અને દક્ષિણ જિયાંગસી સહિત અનેક રાજ્યોની હોસ્પિટલોએ છેલ્લા બે મહિનામાં જાહેરાત કરી છે કે તેઓ તેમના પ્રસૂતિ વિભાગો બંધ કરશે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના તાજા આંકડા મુજબ દેશમાં પ્રસૂતિ હોસ્પિટલોની સંખ્યા 2020 માં 807 થી ઘટીને 2021 માં 793 થઈ ગઈ છે.
જિયાંગસી વિસ્તારમાં ગાંઝૂ શહેરમાં આવેલી ફિફ્થ પીપલ્સ હોસ્પિટલે તેના સત્તાવાર WeChat એકાઉન્ટ પર જણાવ્યું હતું કે 11 માર્ચથી હોસ્પિટલમાં પ્રસૂતિ સેવાઓ બંધ રહેશે. માત્ર જિઆંગસી જ નહીં, ઝેજિયાંગની ટ્રેડિશનલ મેડિસિન જિઆંગશાન હોસ્પિટલે તેના વીચેટ પેજ પર જાહેરાત કરી છે કે તેમનો ડિલિવરી વિભાગ 1 ફેબ્રુઆરીથી બંધ કરી દેવામાં આવ્યો છે.
એક તરફ ચીનમાં પ્રસુતિ હોસ્પિટલો બંધ થઇ રહી છે, બીજી તરફ ચીન સરકાર યુવાન યુગલોને બાળકોને જન્મ આપવા માટે કેવી રીતે પ્રોત્સાહિત કરવા તે અંગે યોજના બનાવી રહી છે. ચીનની વસ્તીનો મોટો ભાગ દર વર્ષે વૃદ્ધોની શ્રેણીમાં જોડાઈ રહ્યા છે. ચીનની હોસ્પિટલો હવે પ્રસૂતિ વિભાગોને બંધ કરી રહી છે અને ઓલ્ડ એજ કેર સર્વિસ શરુ કરી રહી છે.
કરિયર બનવવાબની ઈચ્છા, વધતો ખર્ચ, જવાબદારીઓમાંથી મુક્તિ અને એકલતા જેવા કારણોસર ચીનમાં ઘણી મહિલાઓ બાળકો વિના જીવવાનું પસંદ કરી રહી છે. ચીનની એક થિંક ટેન્કે મહિલાઓની સ્થિતિનો અભ્યાસ કરતી વખતે કહ્યું હતું કે પ્રતિ વ્યક્તિ જીડીપીના સંદર્ભમાં ચીન વિશ્વના એવા દેશોમાં સામેલ છે જ્યાં બાળકનો ઉછેર કરવો સૌથી મોંઘુ હોય. જેથી ઘણી સ્ત્રીઓ બાળકોની જવાબદારીમાંથી મુક્ત રહેવા માંગે છે. ઘણી વખત તેના પતિ પણ આ નિર્ણય સાથે સહમત હોય છે.
ચીનમાં જન્મ દર વધારવા માટે સરકારી એજન્સીઓએ ઘણી યોજનાઓ બનાવી છે. જેમાં મેટરનિટી લીવમાં વધારો, ટેક્સ સંબંધિત લાભો, મકાન ખરીદવા માટે સબસિડીનો સમાવેશ થાય છે. આ સિવાય સંતાન ઈચ્છુક યુગલોને રોકડ લાભ અને પ્રોપર્ટી ટેક્સમાં પણ છૂટ આપવામાં આવી રહી છે.
વર્ષ 2016માં ચીને 35 વર્ષ જૂની ‘વન ચાઈલ્ડ પોલિસી’માં છૂટછાટ આપી હતી અને યુગલોને બે બાળકોની છૂટ આપવામાં આવી હતી. વર્ષ 2021માં ચીનની સરકારે બાળકોની મર્યાદા વધારીને ત્રણ કરી હતી.
રિપોર્ટ અનુસાર, 2022ના અંતે મેઇનલેન્ડ ચીનની વસ્તી 1.41175 બિલિયન હતી, જ્યારે એક વર્ષ પહેલા એટલે કે 2021માં ચીનની વસ્તી 1.41260 બિલિયન નોંધાઈ હતી.