ચીની એન્જિનિયરોએ પાકિસ્તાન છોડવા માંડ્યા તો પીએમ શાહબાઝે……
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી ચીની નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરના એક હુમલામાં પાંચ ચીની એન્જીનિયરો માર્યા ગયા હતા, જેના પછી એવા અહેવાલ છે કે ઘણા ચીની નાગરિકો પાકિસ્તાન છોડવાની યોજના બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમને આશ્વાસન આપતા કહ્યું છે કે તેમની સરકાર દેશમાં રહેતા ચીની નાગરિકોની મજબૂત સુરક્ષા સુનિશ્ચિત કરશે.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મંગળવારે થયેલા આત્મઘાતી હુમલામાં પાંચ ચીની નાગરિકોના મોત થયા છે. આત્મઘાતી બોમ્બરના વાહને ચીની એન્જિનિયરોના કાફલાને નિશાન બનાવ્યું હતું, જેમાં પાંચ ચીની નાગરિકો અને તેમનો પાકિસ્તાની ડ્રાઈવર માર્યો ગયો હતો. કોહિસ્તાનમાં દાસુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ સાઈટ પર ચીની એન્જીનિયરો અને કામદારોને સંબોધતા શાહબાઝે કહ્યું હતું કે હું તમને ખાતરી આપવા માંગુ છું કે પાકિસ્તાન સરકાર તમને અને તમારા પરિવારને અહીં શ્રેષ્ઠ સુરક્ષા પ્રદાન કરવામાં કોઈ કસર છોડશે નહીં.
26 માર્ચના હુમલાની આ ઘટનાના દોષિતોને પાઠ ભણાવવા માટે શાહબાઝ શરીફે તેમને સખતમાં સખત સજા આપવાની પણ જાહેરાત કરી હતી, જેથી ભવિષ્યમાં ઘણા લોકો આવા ગુના ન કરે. ચીની નાગરિકો પર હુમલાના સંદર્ભમાં પોલીસે ઘટનાના માસ્ટરમાઇન્ડ સહિત 12 લોકોની ધરપકડ કરી છે.
આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી. પરંતુ ખૈબર પખ્તુનખ્વા એન્ટી ટેરરિઝમ વિભાગે આ હુમલા માટે પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું છે. આ હુમલાને પાકિસ્તાનના દુશ્મનોનું કામ ગણાવતા વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે આ હુમલો એ લોકોની કાર્યવાહી છે જેઓ પાકિસ્તાન અને ચીનની મિત્રતા બગાડવાની કોઈ તક છોડવા માંગતા નથી.
કારણ કે ભારત અને ચીનની મિત્રતા સમયની સાથે ઝડપથી મજબૂત થઈ રહી છે. તેમણે કહ્યું કે આ જ કારણ છે કે આપણા દુશ્મન દેશો પાકિસ્તાન અને ચીન વચ્ચેની સદાબહાર મિત્રતામાં તિરાડ પાડવાની કોઈ તક છોડતા નથી. શાહબાઝે કહ્યું હતું કે બંને દેશોની મિત્રતા બગાડવાના ઈરાદાથી નિર્દોષ ચીની નાગરિકોની હત્યા કરવી એ કાયરતાપૂર્ણ કૃત્ય છે. તેમણે કહ્યું કે આ ઘટના બાદ તેઓ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે ચીની દૂતાવાસ ગયા હતા અને જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ માટે સંયુક્ત તપાસ ટીમ બનાવવામાં આવી છે, જે સમયસર તેનો રિપોર્ટ આપશે.
હુમલા બાદ ચીની એન્જિનિયરોએ પાકિસ્તાન છોડવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાનમાં ઘણા સમયથી ચીની નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં એવા સમાચાર છે કે ચીનના એન્જિનિયરો પાકિસ્તાન છોડીને પોતાના દેશમાં પાછા ફરવાનું વિચારી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, આ હુમલાને કારણે ચીનની કંપનીઓએ પાકિસ્તાનના ત્રણ મહત્વના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ દાસુ ડેમ, દિયામેર-બાશા ડેમ અને તરબેલા એક્સટેન્શન પર કામ અટકાવી દીધું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલાથી ચિંતા વધી ગઈ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ખલેલ પહોંચાડવા ઉપરાંત, આ હુમલાએ પાકિસ્તાનમાં કામ કરતા ચીની નાગરિકોના વિશ્વાસને પણ તોડી પાડ્યો છે. સુરક્ષાની ચિંતાઓને કારણે ઘણા ચીની નાગરિકો પાકિસ્તાન છોડવા લાગ્યા છે.
નોંધનીય છે કે બલૂચ આતંકવાદીઓ છેલ્લા ઘણા સમયથી ચીનના નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. એપ્રિલ 2022 માં, કરાચીમાં કન્ફ્યુશિયસ સંસ્થાની બસ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણ ચીની શિક્ષકો અને તેમના સ્થાનિક ડ્રાઇવર માર્યા ગયા હતા. BLAએ પણ આ હુમલાની જવાબદારી લીધી હતી.
ઓગસ્ટ 2021માં પણ ગ્વાદરમાં ચીની નાગરિકોને નિશાન બનાવતા હુમલામાં બે બાળકો માર્યા ગયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. જુલાઈ 2021માં પણ આતંકવાદીઓએ પાકિસ્તાનમાં એક શટલ બસને નિશાન બનાવી હતી જેમાં નવ ચીની નાગરિકો અને ચાર પાકિસ્તાનીઓ માર્યા ગયા હતા. એપ્રિલ 2021 માં, બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટામાં ચીનના રાજદૂતની હોસ્ટિંગ કરતી હોટલમાં કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાની તાલિબાને આ હુમલાની જવાબદારી લીધી હતી.
2018 માં, BLA એ દક્ષિણ પાકિસ્તાનના કરાચીમાં ચીની કોન્સ્યુલેટ પર હુમલો કર્યો, જે દરમિયાન બે પોલીસ અધિકારીઓ માર્યા ગયા. મે 2017માં, મોટરસાઇકલ પર સવાર બે બંદૂકધારીઓએ ચાઇનીઝ પ્રોજેક્ટ પર કામ કરતા 10 કામદારોની હત્યા કરી હતી. આ હુમલાની જવાબદારી લેતા BLAએ કહ્યું હતું કે તેમણે આ હુમલો ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)ના વિરોધમાં કર્યો હતો.