ચીન આ 6 દેશોને વિઝામુક્ત પ્રવેશની આપશે મંજૂરી
ચીને જાહેરાત કરી છે કે તે ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, સ્પેન અને મલેશિયાના નાગરિકોને વિઝામુક્ત પ્રવેશની મંજૂરી આપશે. દેશમાં પ્રવાસન ઉદ્યોગને વેગવંતું બને એ ઉદ્દેશ્યથી ચીને આ પગલું ભર્યું છે. આગામી 1 ડિસેમ્બરથી આવનારા વર્ષ 2024 નવેમ્બર સુધી તે પાંચ યુરોપિયન દેશ અને મલેશિયાને 15 દિવસ સુધી ચીનમાં વિઝા વગર પ્રવેશ કરવાની અનુમતિ આપશે.
કોરોના મહામારીને કારણે ચીન દ્વારા વિદેશી નાગરિકોના પરિવહન પર અવારનવાર પ્રતિબંધો મુકાયા હતા. લગભગ ત્રણ વર્ષથી ચીનમાં પ્રવાસન ઉદ્યોગ ઠપ્પ છે. આ વર્ષની શરૂઆતમાં ચીને પ્રતિબંધો હટાવી લીધા હતા પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની આવનજાવન મહામારી પહેલા જે પ્રકારે હતી તે પ્રકારે પૂર્વવત થઇ શકી નથી.
ચીને અગાઉ બ્રુનેઈ, જાપાન અને સિંગાપોરના નાગરિકો માટે વિઝામુક્ત પ્રવેશની મંજૂરી આપી હતી, પરંતુ કોરોના ફાટી નીકળ્યા બાદ તેને સ્થગિત કરવામાં આવી હતી. તેણે જુલાઈમાં બ્રુનેઈ અને સિંગાપોર માટે વિઝામુક્ત પ્રવેશ ફરી શરૂ કર્યો હતો પરંતુ જાપાન માટે તેમ કર્યું નથી.
ચીનમાં સુસ્ત અર્થતંત્રને વેગ આપવા માટે મોટાપાયે વિદેશી રોકાણની માંગ વધી રહી છે, ઇલોન મસ્ક, ટીમ કૂક સહિતના કેટલાક ઉદ્યોગપતિઓ ચીનમાં યોજાતા વેપારલક્ષી સમારંભોમાં અવારનવાર જોવા મળી રહ્યા છે. જો કે વિદેશી પ્રવાસીઓની સંખ્યા હજુ પણ ઓછી છે.