Taiwan ના રાષ્ટ્રપતિ અને PM Modi ના સંવાદથી ચીન નારાજ, અમેરિકાએ સમર્થન આપ્યું

નવી દિલ્હી : ભારતમાં લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ તાઈવાનના(Taiwan) રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને(PM Modi) અભિનંદન પાઠવ્યા હતા. હવે ચીને આ પોસ્ટ પર વડાપ્રધાન મોદીની (PM Modi) પ્રતિક્રિયા સામે વિરોધ નોંધાવ્યો છે. બેઇજિંગના વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ ભારતને વન-ચાઇના નીતિ પ્રત્યે નવી દિલ્હીની પ્રતિબદ્ધતાની યાદ અપાવી અને તેને તાઇવાનની રાજકીય ચાલથી સાવધ રહેવા કહ્યું. બીજી તરફ અમેરિકાએ ભારતની પ્રતિક્રિયાને સમર્થન આપ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું, મેં સંપૂર્ણ અહેવાલ નથી જોયો પરંતુ આ પ્રકારનો અભિનંદન સંદેશ રાજદ્વારી કાર્યની સામાન્ય રીત છે.
તાઈવાન પાસે કોઇ રાષ્ટ્રપતિ નથી
ચીન હંમેશા તાઈવાનને પોતાનો અભિન્ન વિદ્રોહી પ્રાંત માને છે. ચીનનું કહેવું છે કે જો જરૂર પડશે તો તે સૈન્ય શક્તિની મદદથી તાઈવાનને ચીનમાં સામેલ કરશે. એક અખબારના અહેવાલ મુજબ ચીનની સરકારે તાઈવાનના રાષ્ટ્રપતિના અભિનંદન સંદેશ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા જવાબ પર વિરોધ વ્યક્ત કર્યો છે. ચીનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું છે કે સૌથી પહેલા એ સ્પષ્ટ હોવું જોઇએ કે તેમની પાસે કોઇ રાષ્ટ્રપતિ નથી.
ચીને ભારતને સાવધાન રહેવાની ચેતવણી આપી
એક અખબારે ચીનના પ્રવક્તા નિંગને ટાંકીને કહ્યું, ‘દુનિયામાં એક જ ચીન છે. ભારતે વન-ચાઈના સિદ્ધાંતને લઈને ગંભીર રાજકીય પ્રતિબદ્ધતાઓ કરી છે અને તાઈવાનના સત્તાવાળાઓની રાજકીય રૂપરેખાઓ પ્રત્યે સતર્ક રહેવું જોઈએ. ભારતે વન-ચાઈના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરતી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ. ચીને કહ્યું કે ભારતે તાઈવાનના અધિકારીઓની રાજકીય રણનીતિને ઓળખવી જોઈએ અને તેમનો વિરોધ કરવો જોઈએ.
મોદીએ તાઈવાનના અભિનંદન સંદેશનો જવાબ આપ્યો
ગત મહિને ચૂંટાયેલા તાઈવાનના રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તેએ મોદીને અભિનંદન આપતા ‘X’ પર પોસ્ટ કરી હતી. ચિંગ-તેએ કહ્યું, ‘ચૂંટણીમાં જીત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારા હાર્દિક અભિનંદન. અમે ઝડપથી વિકસતી તાઈવાન-ભારત ભાગીદારીને વધુ આગળ લઈ જવા અને વેપાર અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં અમારા સહયોગને વિસ્તારવા માટે આતુર છીએ. આ અભિનંદન સંદેશના જવાબમાં મોદીએ કહ્યું, ‘લાઈ ચિંગ-તે, તમારા ઉષ્માભર્યા સંદેશ માટે આભાર. હું પરસ્પર આર્થિક અને તકનીકી ભાગીદારી તરફ કામ કરતી વખતે તાઇવાન સાથે ગાઢ સંબંધોની આશા રાખું છું.