ઇન્ટરનેશનલ

ચીનની એન્જિનિયરિંગ પર સવાલ! નિર્માણના માત્ર 3 મહિનામાં 758 મીટર લાંબો ‘હોંગકી બ્રિજ’ કડડડભૂસ, વીડિયો થયો વાઈરલ…

ભારતના પડોશી દેશ ચીનના પ્રોડક્ટ માટેની આપણી સર્વ સામાન્ય માન્યતા એવી છે કે ચલા તો ચાંદ તક, નહીં તો શામ તક… ચીન એવો દેશ છે કે જ્યાં કોઈ કરપ્શન નથી થતું અને આ સિવાય એન્જિનિયરિંગના ફિલ્ડમાં તો તેની બોલબાલા છે. અઘરામાં અઘરા લેન્ડસ્કેપમાં મોટામાં મોટું કન્સ્ટ્રક્શન ચીનના એન્જિનિયરિંગ એક્સપર્ટ્સ ઊભું કરી શકે છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેને જોઈને ચીનની આ ઈમેજ પર સવાર ઊભો થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પૂલ કડડડભૂસ થઈને પડતો દેખાઈ રહ્યો છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી…

સ્થાનિક મીડિયામાં છપાયેલા અહેવાલો અનુસાર ચીનના સિચુઆન પ્રાંતમાં બનેલા નવા નવા હોંગકી બ્રિજનો એક હિસ્સો મંગળવારે તૂટી પડ્યો હતો. પૂલ તટી પડવાને કારણે ટનબંધ ઈંટો નદીમાં પડી અને હવામાં ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.

તૂટી પડેલો આ પૂલ 758 મીટર લાંબો હતો જે મધ્ય ચીનને તિબેટ સાથે જોડનારા નેશનલ હાઈવેનો એક હિસ્સો છે. સ્થાનિક પ્રશાસને આપેલી માહિતી અનુસાર પૂલમાં તિરાડ પડવાને કારણે જમીન ખસી રહી છે એવી જાણ થતાં જ એક દિવસ પહેલાં જ આ પૂલ પર અવરજવર બંધ કરવામાં આવી હતી.

પૂલ પરની અવરજવર બંધ હોવાને કારણે જ કોઈ જાનહાનિ થઈ નહોતી. પ્રાથમિક તપાલમાં જાણવા મળ્યું હતું કે પર્વતીય વિસ્તારમાં આવેલી અસ્થિરતાને કારણે આ પૂલ ધસી પડ્યો હતો અને અધિકારીઓએ આ પૂલને બંધ કરી દીધો હતો. હવે તપાસમાં આ અકસ્માત કયા કારણસર થયો એના કારણો જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. ડિઝાઈનમાં કે કન્સ્ટ્રક્શનમાં કોઈ ખરાબીને કારણે તો પૂલ નથી ધસી પડ્યો ને એની પણ તપાસ કરવામાં આવશે.

આ પૂલ શુઆંગજિયાંગ હાઈડ્રોપાવર સ્ટેશન અને ડેમ પાસે બનાવવામાં આવ્યો છે, જે ખાડીથી લગભગ 625 મીટર ઉપર આવેલું છે. સિચુઆન અને તિબેટને જોડવા માટે આ જ વર્ષે આ પૂલનું નિર્માણકાર્ય પૂરું કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર મહિનામાં આ પૂલ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યો હતો અને ત્રણ જ મહિનામાં આ પૂલ ધસી પડ્યો હતો.

આપણ વાંચો:  ‘અમેરિકા પાસે પૂરતું ટેલેન્ટ નથી…’ H-1B વિઝા મામલે ટ્રમ્પ નરમ પડ્યા!

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button