ન્યુઝીલેન્ડમાં બાળકોના શોષણનો મામલો આવતા મચી સનસનાટી
ન્યુઝીલેન્ડમાં બે લાખથી પણ વધુ બાળકો અને સંવેદનશીલ પુખ્ય વયના લોકો અશ્લીલતા, જાતિય શોષણ અને દુર્વ્યવહારનો શિકાર બન્યા હોવાનો સનસનીખેજ મામલો સામે આવતા હોબાળો મચી જવા પામ્યો છે. માત્ર 53 લાખની વસતી ધરાવતા દેશમાં આટલી મોટી સંખ્યામાં લોકો જાતિય શોષણનો શિકાર બને એ ઘટના નાનીસુની તો ના જ કહેવાય.
વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સનને પણ આ મામલાની જાણ થતા તેમણે આ મુદ્દે લોકોની માફી માગી છે અને સિસ્ટમમાં સુધારો કરવાનો દાવો કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 70 વર્ષોમાં રાજ્યના ચાઇલ્ડ કેર હોમ અને ધાર્મિક સંભાળમાં રાખવામાં આવેલા લગભગ 200,000 બાળકો, યુવાન લોકો અને સંવેદનશીલ પુખ્ત વયના લોકો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 1950 થી 2019 સુધીના 70 વર્ષમાં ચાઇલ્ડ કેર અને હોમમાં રહેતા લગભગ દર ત્રણમાંથી એક બાળક અને સંવેદનશીલ પુખ્ત વયના લોકોએ એક યા બીજા પ્રકારે જાતિય શોષણનો સામનો કરવો પડ્યો હતો. આ સંવેદનશીલ મામલે સરકારો અબજો ડોલરનું વળતર ચૂકવવું પડી શકે છે.
આ અહેવાલ આવ્યા બાદ ન્યુઝીલેન્ડની સરકાર ભીંસમાં આવી ગઇ છે. સરકારે માફી માગીને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે અને આ દિવસને ન્યુઝીલેન્ડના ઇતિહાસનો સૌથી કલંકિત અને કાળો દિવસ તરીકે ઓળખાવ્યો છે.