ઇન્ટરનેશનલ

હરિયાણામાં સત્તા પરિવર્તન: ખટ્ટરને સ્થાને સૈનીને જવાબદારી સોંપાઈ

શપથગ્રહણ: હરિયાણાના ગવર્નર બંડારુ દત્તાત્રેયે મંગળવારે ભાજપના નેતા નાયાબસિંહ સૈનીને હરિયાણાના મુખ્ય પ્રધાન તરીકે શપથગ્રહણ કરાવ્યા હતા. (એજન્સી)

ચંદીગઢ: હરિયાણામાં મંગળવારનો દિવસ સત્તામાં ભારે ઊથલપાથલનો રહ્યો હતો. મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર અને તેમના કેબિનેટ પ્રધાનોએ અચાનક રાજીનામું આપી દીધાના કલાકોમાં જ ભાજપના નેતા નાયાબ સિંહ સૈનીએ મુખ્ય પ્રધાન તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા. તેમની કેબિનેટના પાંચ પ્રધાનોને પણ હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય દ્વારા રાજભવનમાં શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા.

મુખ્ય પ્રધાન તરીકેના શપથ ગ્રહણ કર્યા બાદ નાયાબ સિંહ સૈનીએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરને પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતા. મુખ્ય પ્રધાન સાથે શપથ ગ્રહણ કરનારા ભાજપના નેતાઓના નામ કંવર પાલ, મૂલચંદ શર્મા, જય પ્રકાશ દલાલ અને બનવારી લાલ છે. તેમની સાથે એક અપક્ષ વિધાનસભ્ય રણજિત સિંહ ચૌટાલાને પણ પ્રધાનપદના શપથ લેવડાવવામાં આવ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે ભાજપે ઓબીસી નેતા નાયાબ સિંહ સૈની (૫૪)નું નામ હરિયાણાના નવા મુખ્ય પ્રધાન તરીકે જાહેર કર્યું હતું. તેઓ ભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ છે અને કુરુક્ષેત્ર મતદારસંઘના સંસદસભ્ય છે. અહીં ઉલ્લેખનીય છે કે સૈની ખટ્ટરના કટ્ટર સમર્થક માનવામાં આવે છે.

લોકસભાની ચૂંટણીના અઠવાડિયાઓ પહેલાં હરિયાણામાં સત્તા પરિવર્તન થયું છે. મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરની બીજી ટર્મ ઓક્ટોબરમાં પૂરી થવાની હતી, જ્યારે વિધાનસભાની ચૂંટણી અપેક્ષિત છે.

ખટ્ટર અને ૧૩ પ્રધાનોએ તેમનાં રાજીનામાં રાજ્યપાલને સોંપ્યાં હતાં. કેન્દ્રની નિરીક્ષકોની ટીમ ચંડીગઢમાં આવી પહોંચી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે ભાજપે હરિયાણામાં જનનાયક જનતા પાર્ટી (જેજેપી) સાથે ગઠબંધનમાં સરકાર બનાવી હતી, પરંતુ આ ગઠબંધન લોકસભાની ચૂંટણી પહેલાં તૂટી જશે એવી અટકળો વહેતી થઈ હતી અને પ્રવર્તમાન સરકારમાં જેજેપીના દુષ્યંત ચૌટાલા નાયબ મુખ્ય પ્રધાન હતા અને તેમની પાર્ટીના અન્ય બે નેતા પણ પ્રધાન હતા, તેથી ભાજપ મોવડીમંડળના કહેવાથી ખટ્ટરે રાજીનામું આપી દીધું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button