સાવધાન ઈન્ડિયાઃ કરાચી પોર્ટ ખાતે ડ્રેગનની હિલચાલ
કરાચી: કરાચી બંદર પર ફ્રન્ટલાઈન ચીની યુદ્ધ જહાજો અને સબમરીનની હાજરી જોવા મળી હતી. ભારતે હવે ચીન અને પાકિસ્તાનથી સતર્ક રહેવાની જરૂર છે. ભારત માટે જોખમ વધી રહ્યું છે. સબમરીનની સેટેલાઇટ તસવીરો પણ જોવા મળી હતી. આમાં કરાચી બંદર પર ચીનના અનેક ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો, એક સબમરીન અને ડોકયાર્ડ જોઈ શકાય છે. જેનું નામ સી ગાર્ડિયન-થ્રી છે. આ એક્સરસાઇઝ એવા સમયે થઈ રહી છે જ્યારે ચીને હિંદ મહાસાગરના પાણીમાં તેની દરિયાઈ હાજરીને વિસ્તારી રહ્યું છે. થોડા સમય અગાઉ જ ચીને પાકિસ્તાન નેવીને 4 ટાઇપ-054 A/P ફ્રિગેટ્સ પણ આપ્યા છે.
ગયા વર્ષે હિંદ મહાસાગરમાં ચીનના કેટલાંક જાસૂસી જહાજો પણ ઝડપાયા હતા. ચીન તે ઘટનાને સર્વે શિપ કહે છે. તેમજ આ મહિનાની શરૂઆતમાં ચીનનું મહાસાગર સંશોધન જહાજ ‘શી યાન 6’ કોલંબોમાં રોકાયું હતું. બાદમાં આ જહાજ તમિલનાડુના કિનારે અને આંદામાન અને નિકોબાર ટાપુઓ વચ્ચે બંગાળની ખાડી તરફ ઉત્તર તરફ આગળ વધ્યું હતું. ત્યારે મળતી માહિતી મુજબ ચીન આખા ક્ષેત્રમાં સબમરીન કામગીરીને વિસ્તારવા માંગે છે. આ માટે તે બંગાળની ખાડી સહિત હિંદ મહાસાગરમાં તકો શોધી રહ્યું છે.
કરાચીમાં સ્થિત ચીની નૌકાદળના જહાજોમાં ટાઇપ 039 ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીનનો પણ સમાવેશ થાય છે. ચીની પીપલ્સ લિબરેશન આર્મી નેવી દ્વારા 2013 થી હિંદ મહાસાગરમાં સબમરીન તહેનાત કર્યા બાદ આ આઠમી સંયુક્ત લશ્કરી કવાયત છે. ચીન હિંદ મહાસાગરમાં પરમાણુ સંચાલિત ઝડપી સબમરીન માટે પણ જાણીતું છે. મળતી માહિતી મુજબ આ એ વાતનો સંકેત છે કે ભવિષ્યમાં આ ક્ષેત્રમાં ચીન પોતાની હાજરી વધારી શકે છે.
પૂર્વ નૌકાદળના વડા એડમિરલ અરુણ પ્રકાશે જણાવ્યું હતું કે અમારા આયોજકો અને નિર્ણય લેનારાઓએ સ્પષ્ટપણે એ હકીકત સ્વીકારવી પડશે કે ચીન હિંદ મહાસાગરમાં ઊંડો રસ ધરાવે છે. કારણકે આ ઊર્જા, વેપાર, કાચો માલ અને તૈયાર માલસામાન માટેના મુખ્ય માર્ગ છે. જેના પરિણામે હિંદ મહાસાગરમાં ચીનની નૌકાદળની હાજરી જોવા મળી રહી છે. ચીને અહીં હાલમાં યુદ્ધ જહાજો તેમજ સબમરીન તહેનાત કરી છે.