
ઓટાવા: ગયા વર્ષે કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરે(Surrey)માં ખાલિસ્તાની અલગાવવાદી આગેવાન હરદીપ સિંહ નિજ્જર(Hardeep Singh Najjar)ની હત્યા બાદ કેનેડાની તપાસ એજન્સીઓ અને ખુદ વડા પ્રધાન જસ્ટીન ટ્રુડો(Justine Trudeau)એ ભારત પર આ હત્યા કરાવવાના આરોપ લગાવ્યા હતા, ત્યાર બાદથી બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા હતા. એવામાં નિજ્જર હત્યા કેસના સંબંધમાં કેનેડિયન પોલીસે શુક્રવારે દાવો કર્યો હતો કે તેમણે કથિત હિટ સ્ક્વોડના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. અધિકારીઓએ વધુમાં આરોપ છે કે ભારત સરકારે આ લોકોને નિજ્જરની હત્યા કરવાનું કામ સોંપ્યું હતું.
ગત વર્ષે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતીય જાસૂસી એજન્સીઓના એજન્ટોની સંડોવણી હોવાનો આરોપ મૂક્યો હતો, ભારતે આ તમામ આરોપો પાયાવિહોણા ગણાવી નકારી દીધા હતા, ત્યાર બાદ આ પછી બંને દેશો વચ્ચે રાજદ્વારીય ઘણો તણાવ ઉભો થયો હતો.
કેનેડાની એક ન્યુઝ ચેનલે તેના સોર્સને ટાંકીને જણાવ્યું હતું કે નિજ્જરની હત્યા કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટના દસ્તાવેજો દર્શાવે છે કે કરણપ્રીત સિંહ, કમલપ્રીત સિંહ અને કરણ બ્રાર પર નિજ્જરની હત્યા અને હત્યાના કાવતરાનો આરોપ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારામાં જે દિવસે નિજ્જરની હત્યા કરવામાં આવી હતી તે દિવસે હિટ સ્કવોડના સભ્યોએ શૂટર, ડ્રાઇવર અને જાસૂસ તરીકે જુદી જુદી ભૂમિકાઓ ભજવી હતી.
ગત વર્ષે 18 જૂન, 2023ના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારી દેવામાં આવી હતી, તે મૂળભારતીય હતો, નિજ્જર કેનેડાની નાગરિકતા મેળવી ત્યાંથી જ ભારત વિરોધી ગતિવિધિઓ ચલાવતો હતો.
મીડિયા અહેવાલો મુજબ કેનેડિયન પોલીસ એડમોન્ટનમાં 11 વર્ષના છોકરાના ગોળીબારમાં મૃત્યુ સહિત ત્રણ વધારાની હત્યાઓ સાથે સંભવિત આ કેસના સંબંધની પણ તપાસ કરી રહી છે. અહેવાલો મુજબ શુક્રવારે બે પ્રાંતોમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન આ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે અધિકારીઓએ થોડા મહિના પહેલા કથિત કેનેડિયન હિટ સ્ક્વોડના સભ્યોની ઓળખ કરી હતી અને તેમના પર નજર રાખવામાં આવી રહી હતી.