ભારત સાથે વિવાદમાં ફસાયેલા ટ્રુડોએ આ મુદ્દે લોકોની માફી માંગી

ઓટાવાઃ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવીને મુશ્કેલીમાં ફસાયેલા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. તેમને ઘર આંગણે પણ માફી માગવાનો વખત આવ્યો હતો.
ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવવા છતાં પુરાવા ન આપવા બદલ મીડિયા દ્વારા ટ્રુડોને પહેલેથી જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હવે, ગયા અઠવાડિયે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીની કેનેડાની મુલાકાત દરમિયાન એક નાઝી સહયોગી વ્યક્તિને વિશેષ સન્માન આપવા બદલ વૈશ્વિક સ્તરે તેમની ટીકા થઇ રહી છે. જસ્ટિન ટ્રુડો જેવા દેશના સર્વોચ્ચ સ્તરે બિરાજતા લોકો આવી ગંભીર ભૂલ કેવી રીતે કરી શકે એવો સવાલ સ્વાભાવિક છે.
જસ્ટિન ટ્રુડોએ નાઝી સહયોગીને વિશેષ સન્માન આપવા માટે હાઉસ ઓફ કોમન્સના સ્પીકરને દોષી ઠેરવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સ્પીકર તે વ્યક્તિને આમંત્રણ અને માન્યતા આપવા માટે સંપૂર્ણપણે જવાબદાર છે. આ એક ભૂલ હતી જેને કારણે સંસદ અને કેનેડાએ ઊંડી શરમ અનુભવી છે અને દેશને નીચાજોણું થયું છે. આ ઘટના બાદ સ્પીકરે પોતાનું રાજીનામુ આપી દીધુ હતું.
હવે હાઉસ ઓફ કોમન્સમાં પ્રવેશતા પહેલા ઘટના માટે માફી માંગી હતી. ટ્રુડોએ કહ્યું હતું કે તેઓ આ ઘટનાની પૃષ્ઠભૂમિ જાણતા નહોતા. નાઝી સહયોગી વ્યક્તિને સ્ટેન્ડિંગ ઓવેશન આપવા બદલ તેમને ખૂબ જ ખેદ છે. આ ઘટનાને કારણે નાઝીઓના હાથે યહૂદીઓના નરસંહારમાં મૃત્યુ પામેલા લાખો લોકોની ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ ટ્રુડોએ સંસદમાં માફી માગી હતી.
નોંધનીય છે કે યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કી પોતે યહૂદી છે અને નાઝીઓના હાથે હોલોકોસ્ટમાં પોતાના સ્વજનો ગુમાવી ચૂક્યા છે.