ઇન્ટરનેશનલ

કેનેડાએ ફરી ખાલિસ્તાની રાગ આલાપ્યો, સંસદમાં નિજ્જર માટે મૌન પાડ્યું, ભારત આપશે વળતો જવાબ

ઓટાવા: છેલ્લા એક વરસથી વધુ સમયથી કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો તાણવપૂર્ણ (India-Canada relation)ચાલી રહ્યા છે, એવામાં કેનેડાએ એવું પગલું ભર્યું છે જેના સામે ભારત સરકારે સખત વાંધો ઉઠાવ્યો છે. કેનેડાની સંસદમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર(Hardeep Singh Najjar)ના મોતની વરસી મનાવી હતી હતી, મંગળવારે સંસદમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

કેનેડાની સંસદમાં આ બધું થઈ રહ્યું હતું અને ખાલિસ્તાની સમર્થકો ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ખાલિસ્તાની સમર્થકોએ અહીં કોર્ટ બેસાડી હતી. જેમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પૂતળું બાળવામાં આવ્યું હતું અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

Read more: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ઉત્તર કોરિયાની મુલાકાતે, અમેરિકા સહીત દુનિયાભરના દેશોની નજર

તેની સામે ભારતે એર ઈન્ડિયાના વિમાન કનિષ્કમાં બોમ્બ વિસ્ફોટનો ઉલ્લેખ કરી કેનેડામાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો છે, આ માટે કેનેડાના વેનકુવરનું ભારતીય દૂતાવાસ 23 જૂને કનિષ્ક વિમાન દુર્ઘટનાની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટ કનિષ્ક પર થયેલા આતંકવાદી હુમલાની 39મી વર્ષગાંઠ પર એક સભાનું આયોજન કરવામાં આવશે. આ હુમલામાં 86 બાળકો સહિત 329 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. વાનકુવર કોન્સ્યુલેટે ભારતીય સમુદાયના લોકોને આતંકવાદ સામે એકતા દર્શાવવા કાર્યક્રમમાં ભાગ લેવા જણાવ્યું છે.

23 જૂન 1985ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 182 કેનેડાથી ટેકઓફ થઈ હતી. આ વિમાનનું નામ સમ્રાટ કનિષ્કના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ લંડન થઈને મુંબઈ અને પછી દિલ્હી પહોંચવાની હતી. પ્લેન જ્યારે આઇરિશ એરસ્પેસમાંથી પસાર થઇ રહ્યું હતું ત્યારે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ પછી પ્લેન એટલાન્ટિક મહાસાગરમાં પડી ગયું. આ આતંકી હુમલામાં 329 લોકો માર્યા ગયા હતા, જેમાં 86 બાળકો હતા. વિમાનમાં સવાર મોટાભાગના લોકો ભારતીય મૂળના કેનેડિયન નાગરિકો હતા. ખાલિસ્તાની આતંકવાદીઓએ 1984માં ઓપરેશન બ્લૂ સ્ટારનો બદલો લેવા માટે આ હુમલો કર્યો હતો. એવું કહેવાય છે કે તેનું સમગ્ર આયોજન કેનેડામાં કરવામાં આવ્યું હતું.

Read more: Haj Yatra : હજ માટે મક્કા પહોંચેલા 550થી વધુ લોકોના ગરમીથી મૃત્યુ

ગયા વર્ષે 18 જૂનના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં એક ગુરુદ્વારાની બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ગયા મહિને જ કેનેડાએ 4 ભારતીય નાગરિકોની ધરપકડ કરી હતી. એડમન્ટનના રહેવાસી ચારેય યુવાનો પર હત્યાના કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ પછી બીજા ભારતીય અમનદીપ સિંહની થોડા દિવસો પછી કેનેડિયન અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કેનેડાએ પણ આ અંગે ભારત પર સવાલો ઉઠાવ્યા હતા, ત્યારબાદ બંને દેશોના સંબંધો વધુ બગડ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button