કેનેડાએ આ સ્ટુડન્ટ વિઝા યોજના કરી બંધ, જાણો ભારતીયો પર શું થશે અસર…
Canada News: કેનેડા ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓ (Canada Student Visa) માટે માઠા સમાચાર છે. કેનેડાએ સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (SDS) વિઝા યોજનાને તાત્કાલિક અસરથી સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. કેનેડાએ તેના આ નિર્ણય પાછળ રહેણાંક મકાનોની સમસ્યા અને સંસાધનોની અછત ગણાવી હતી. કેનેડાના આ પગલાંથી ભારતીય વિદ્યાર્થીઓને હવે ઘણી પરેશાનીનો સામનો કરવો પડશે. તેમજ વિઝા લેવાની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
આ પણ વાંચો : ભારતે કેનેડામાં બંધ કર્યા કૉન્સ્યુલેટ, કહી આ વાત
કયા દેશોના વિદ્યાર્થીઓને મળતો હતો યોજનાનો લાભ
કેનેડાની એસડીએસ વિઝા યોજનાનો લાભ ભારત, બ્રાઝિલ, ચીન, કોલંબિયા, કોસ્ટા રિકા, મોરોક્કો, પાકિસ્તાન, પેરુ સહિત કુલ 14 દેશોના વિદ્યાર્થીઓને મળતો હતો. જેના દ્વારા તેમની અરજી પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવવામાં આવી હતી. યોજના બંધ થવાથી આ દેશોના વિદ્યાર્થીઓને વીઝા પ્રક્રિયામાં વધારે સમય લાગશે. કેનેડા સરકારે આ યોજનાને ખતમ કરવાની જાહેરાત વેબસાઇટ પર કરી હતી.
એસડીએસ વિઝા યોજના અંતર્ગત વિઝા અરજી કરવાની પ્રક્રિયા ઘણી ઝડપી અને સરળ હતી. હવે આ યોજના ખતમ થયા બાદ ભારતીય વિદ્યાર્થીઓએ સામાન્ય વિઝા પ્રક્રિયાનો સામનો કરવો પડશે. આ યોજના અંતર્ગત વિઝા સ્વીકારવાનો દર ઘણો વધારે હતો. હવે વિદ્યાર્થીઓને વિઝા માટે વધારે દસ્તાવેજોની જરૂર પડશે. એસડીએસ વિઝા યોજના ખતમ કરવાનો આ નિર્ણય કેનેડામાં યોજાનારી ચૂંટણીમાં મહત્ત્વપૂર્ણ મુદ્દો બની શકે છે.
આ પણ વાંચો : Canada ની પોલીસમાં પણ ખાલિસ્તાની , મંદિરની બહાર પ્રદર્શનમાં સામેલ અધિકારી સસ્પેન્ડ
આ ઉપરાંત કેનેડા સરકારે ભારતીય નાગરિકો માટે વિઝિટર વિઝાની સમય મર્યાદા એક મહિના સુધી મર્યાદિત કરી છે. જેના કારણે 4.5 લાખ પંજાબીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હવે તેમને દર વર્ષે ટુરિસ્ટ વિઝા લેવા પડશે. તેમજ એક મહિનામાં કેનેડા છોડવું પડશે. વિઝા સિસ્ટમમાં કડક જોગવાઈઓ લાગુ કરવાના ઉદ્દેશ્યથી કેનેડા સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.
આ સાથે ભારતીય નાગરિકો માટે લાંબા ગાળાના વિઝાની સુવિધા સમાપ્ત થઈ જશે. કેનેડાના વિઝા નિષ્ણાતોનું કહેવું છે કે ટુરિસ્ટ વિઝાની દસ વર્ષની મુદત પૂર્ણ કરવાની સૌથી વધુ અસર પંજાબ પર પડશે. કેનેડામાં 2021માં ભારતીયોને 2 લાખ 36 હજાર ટૂરિસ્ટ વિઝા આપવામાં આવ્યા હતા. પરંતુ 2022માં તેમાં 393 ટકાનો વધારો થયો હતો અને આ સંખ્યા 11 લાખ 67 હજાર પર પહોંચી હતી અને 2023માં આ સંખ્યા 12 લાખને પાર કરી હતી.
આ પણ વાંચો : Canada માં ખાલિસ્તાનીઓનો હિંદુ મંદિર પર હુમલો, જુઓ વિડીયો