કેનેડામાં રાજકીય સંકટ ઘેરાયું, ઉઠી વડાપ્રધાન Justin Trudeauના રાજીનામાની માંગ
નવી દિલ્હી : ભારત સાથે સતત વધી રહેલા તણાવ વચ્ચે કેનેડામાં રાજકીય સંકટ ઘેરાયું છે. જેમાં હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો(Justin Trudeau) પર રાજીનામું આપવાનું દબાણ સતત વધી રહ્યું છે. નાયબ વડા પ્રધાન અને નાણાં પ્રધાન ક્રિસ્ટીના ફ્રીલેન્ડના રાજીનામા બાદ જસ્ટિન ટ્રુડો મુશ્કેલીમાં મુકાયા છે. હવે તેમની જ પાર્ટીના સાંસદો તેમને નબળા વડાપ્રધાન કહેવા લાગ્યા છે. કેનેડિયન મીડિયા અનુસાર ટ્રુડોએ હજુ સુધી નિર્ણય લીધો નથી કે તેઓ રાજીનામું આપશે કે પદ પર રહેશે. લિબરલ પાર્ટી હાઉસ ઓફ કોમન્સમાં 153 બેઠકો સાથે સત્તામાં હતી. જેમાંથી 60 સાંસદો ઈચ્છે છે કે જસ્ટિન ટ્રુડો પદ છોડી દે.
જસ્ટિન ટ્રુડોને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો
સોમવારે કોકસની બેઠકમાં જસ્ટિન ટ્રુડોને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે જસ્ટિન ટ્રુડો માટે આ મુશ્કેલ સમય હોઈ શકે છે પરંતુ કેનેડા માટે સારો સમય આવવાનો છે. તેમણે કહ્યું કે, શુક્રવારે જ ટ્રુડોએ કહ્યું હતું કે તેઓ તેમને નાણાં પ્રધાન તરીકે રાખવા માંગતા નથી પરંતુ તેમને કોઈ અન્ય પદ આપવા તૈયાર છે. તેથી તેમણે રાજીનામું આપ્યું.
આ પણ વાંચો…શપથ લેતા પહેલા ટ્રમ્પને આંચકો; અમેરિકન જજે સજા રદ કરવાની અરજી ફગાવી, શું છે મામલો?
ડોમિનિક લેબ્લેન્કને નવા નાણાં પ્રધાન બનાવવાનો નિર્ણય
જસ્ટિન ટ્રુડોએ તેમના નજીકના સહયોગી ડોમિનિક લેબ્લેન્કને નવા નાણાં પ્રધાન બનાવવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન જસ્ટિન ટ્રુડોએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, વડાપ્રધાન તરીકે તમારી સેવા કરવી મારા માટે ગર્વની વાત છે. તેથી જ હું દરરોજ સવારે જ્યારે જાગી જાઉં છું ત્યારે પ્રથમ વસ્તુ એ છે કે આ દેશને કેનેડિયનો માટે કેવી રીતે બહેતર બનાવવો. અહીં પણ જસ્ટિન ટ્રુડોએ એવા કોઈ સંકેત આપ્યા નથી કે તેઓ પદ પર રહેશે કે રાજીનામું આપશે.