હરદીપ નિજ્જર કેસમાં ભારતના કડક વલણ બાદ જસ્ટિન ટ્રુડો નરમ પડ્યા
ટોરોન્ટોઃ ભારતના કડક વલણ બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું વલણ નરમ પડ્યું છે. તેમણે કહ્યું હતું કે અમે ખાલિસ્તાન સમર્થક શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત પર દોષારોપણ કરતા નથી. જસ્ટિન ટ્રુડોએ કહ્યું, ‘ભારત સરકારે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો નથી અને ભારત સાથે વૈમનસ્ય વધારવાનો પ્રયાસ પણ નથી કર્યો. નોંધનીય છે કે કેનેડામાં ખાલિસ્તાન સમર્થક એક શીખ કાર્યકર્તાની હત્યામાં ભારત સરકાર સામેલ હોવાના જસ્ટિન ટ્રુડોના આરોપોની તપાસ વચ્ચે ત્યાંની સરકારે ટોચના ભારતીય રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢ્યા હતા.
ભારતે મંગળવારે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોને ફગાવી દીધા હતા અને તેને “વાહિયાત” અને “નિશ્ચિત સ્વાર્થોથી પ્રેરિત” ગણાવ્યા હતા અને આ બાબતે કેનેડા દ્વારા ભારતીય અધિકારીની હકાલપટ્ટીના જવાબમાં ભારતે એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢ્યા હતા. આના થોડા દિવસો પહેલા જ બંને પક્ષોએ દ્વિપક્ષીય મુક્ત વ્યાપાર સમજૂતીને લઈને તેમની વાતચીત બંધ કરવાનો નિર્ણય લીધો હતો. કેનેડામાં ખાલિસ્તાન તરફી તત્વોની વધતી ગતિવિધિઓને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો તંગ છે.
વિદેશ મંત્રાલય દ્વારા ભારતમાં કેનેડાના હાઈ કમિશનર કેમેરોન મેકેને બોલાવવામાં આવ્યા હતા અને વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢવાના નિર્ણય વિશે માહિતી આપવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ પગલું “અમારી આંતરિક બાબતોમાં કેનેડિયન રાજદ્વારીઓ દ્વારા હસ્તક્ષેપ અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણી” પર ભારતની વધતી જતી ચિંતાને પ્રતિબિંબિત કરે છે.
વિદેશ મંત્રાલયે ટ્રુડો અને તેમના વિદેશ પ્રધાનના નિવેદનો પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આવા “પાયાવિહોણા” આક્ષેપો “ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે જેમને કેનેડામાં છૂટો દોર આપવામાં આવ્યો છે અને જેઓ ભારતમાં કાર્યરત છે.” જે કેનેડિયન અધિકારીને પાંચ દિવસમાં ભારત છોડવાનું કહેવામાં આવ્યું છે, તેનું નામ ભારતના વિદેશ મંત્રાલયે જાહેર કર્યું નથી, પરંતુ આ બાબતથી વાકેફ અધિકારીઓએ જણાવ્યું હતું કે તે નવી દિલ્હીમાં કેનેડિયન ગુપ્તચર એજન્સીના સ્ટેશન ચીફ અને રાજદ્વારી ઓલિવર સિલ્વેસ્ટર છે.
નોંધનીય છે કે ટ્રુડોએ કેનેડાની સંસદમાં જણાવ્યું હતું કે કેનેડિયન ગુપ્તચર એજન્સીઓ ખાલિસ્તાન તરફી શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણીના આરોપોની તપાસ કરી રહી છે. નિજ્જરને 18 જૂને બ્રિટિશ કોલંબિયાના સરેમાં શીખ સાંસ્કૃતિક કેન્દ્રની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ટ્રુડોએ સંસદમાં જણાવ્યું હતું કે તેમણે G20 સમિટમાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ હત્યાકાંડનો મામલો ઉઠાવ્યો હતો. ટ્રુડોના જણાવ્યા મુજબ, તેમણે મોદીને કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા કેનેડાની ધરતી પર કોઈપણ સંડોવણી અસ્વીકાર્ય હશે અને તેમને તપાસમાં સહયોગ કરવા વિનંતી પણ કરી હતી.
કેનેડામાં ભારતીય ગુપ્તચર વડાને હાંકી કાઢવાની ઘટના અંગે ઓટ્ટાવા ખાતેના ભારતીય દૂતાવાસે હાલમાં પ્રતિક્રિયા આપી નથી. આ હકાલપટ્ટી એવા સમયે કરવામાં આવી છે જ્યારે કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો તંગ છે. વેપાર વાટાઘાટો પાટા પરથી ઉતરી ગઈ છે અને કેનેડાએ ભારત માટેના વેપાર મિશનને રદ કર્યું છે જેનું આ વર્ષના અંતમાં આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, G20 સમિટમાં ટ્રુડો સાથેની તેમની મુલાકાત દરમિયાન મોદીએ વિદેશમાં ખાલિસ્તાન તરફી ચળવળને કેનેડા દ્વારા હાથ ધરવા પર “ઊંડી ચિંતા” વ્યક્ત કરી હતી. કેનેડામાં શીખોની વસ્તી 7,70,000થી વધુ છે. આ આંકડો દેશની કુલ વસ્તીના બે ટકા છે.