ભારતનો આ નિર્ણય અમેરિકા બાદ હવે બ્રિટનને પણ ન ગમ્યો
આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાને કારણે શરૂ થયેલો ભારત-કેનેડા વિવાદ શમવાનું નામ નથી લઇ રહ્યો. કેનેડાએ નિજ્જરની હત્યા અંગે ભારત પર દોષારોપણ કર્યા બાદ ભારતે કેનેડાના રાજદ્વારીઓને દેશમાંથી હાંકી કાઢ્યા છે. અમેરિકા બાદ હવે આ મામલે બ્રિટને પણ નારાજી વ્યક્ત કરી છે. બ્રિટિશ સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ભારતના આ પગલાથી રાજદ્વારી સંબંધો માટે વિયેના કન્વેન્શનની કામગીરીને અસર થઈ છે. અમે આશા રાખીએ છીએ કે તમામ દેશો 1961માં સ્થાપિત રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શન હેઠળ તેમની જવાબદારીઓનું પાલન કરશે.
અગાઉ, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે ભારત 1961માં રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શન હેઠળ તેની જવાબદારીઓનું પાલન કરશે. મિલરે કહ્યું હતું કે અમે ભારતમાંથી કેનેડિયન રાજદ્વારીઓને પાછા ખેંચવા અંગે ચિંતિત છીએ. કોઈપણ મતભેદોને ઉકેલવા માટે રાજદ્વારીઓની જરૂર છે. નોંધનીય છે કે ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે, કેનેડાએ ગુરુવારે ભારતમાંથી તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે.
ભારતની આંતરિક બાબતોમાં કેનેડિયન રાજદ્વારીઓની દખલગીરીને ટાંકીને મોદી સરકારે ટ્રુડો સરકારને 41 રાજદ્વારીઓને પાછા બોલાવવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. 3 ઓક્ટોબરના રોજ ભારત સરકારે કેનેડાને ચેતવણી આપી હતી કે જો રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવામાં નહીં આવે, તો તેમની તમામ રાજદ્વારી પ્રતિરક્ષા દૂર કરવામાં આવશે.
બ્રિટિશ ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (એફસીડીઓ) દ્વારા શુક્રવારે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘કોઈ પણ પ્રકારના મતભેદોને ઉકેલવા માટે વાતચીત અને કૂટનીતિની જરૂર છે. અમે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો સાથે સહમત નથી.
ભારતના આ નિર્ણયને કારણે ઘણા કેનેડિયન રાજદ્વારીઓને ભારત છોડવું પડ્યું છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે તમામ દેશો 1961માં સ્થપાયેલા રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શન હેઠળ તેમની જવાબદારીઓનું પાલન કરશે.
વિયેના કન્વેન્શનના સિદ્ધાંતો અનુસાર રાજદ્વારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, કોઈપણ દેશ દ્વારા આપવામાં આવેલા વિશેષાધિકારોને એકપક્ષીય રીતે સમાપ્ત કરવા પર પ્રતિબંધ છે.’ બ્રિટને એમ પણ કહ્યું છે કે અમે ભારત સરકારને હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસની તપાસમાં કેનેડાને સહયોગ કરવાની અપીલ કરીએ છીએ.
અગાઉ અમેરિકાના વિદેશ પ્રધાને પણ કહ્યું હતું કે કેનેડાના રાજદ્વારીઓને ભારતથી હાંકી કાઢવા અંગે અમે ચિંતિત છીએ. અમે આશા રાખીએ છીએ કે ભારત સરકાર વિયેના કન્વેન્શનના સિદ્ધાંતોનું પાલન કરશે.
કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારતની ધમકી બાદ રાજદ્વારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે ભારતથી એમને સુરક્ષીત રીતે પાછા બોલાવી લીધા છે. ભારતમાં રહેતા અમારા 41 રાજદ્વારી અને તેમના પરિવાર ભારત છોડી ચૂક્યા છે. મિલાની જોલીએ એવો આરોપ લગાવ્યો હતો કે ભારતે વિયેના કન્વેન્શનનું ઉલ્લેઘન કર્યું છે.
જોકે, પોતાની સફાઇમાં ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે અમે કેનેડાના એ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ કે અમે કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યાને સમકક્ષ લાવવા માટે કોઈપણ પ્રકારના આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ‘રાજદ્વારીઓની સંખ્યાને સમાન કરવા માટે અમારું પગલું વિયેના સંમેલનના અનુચ્છેદ 11.1ની શરતો અનુસાર જ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે – જો રાજદ્વારી મિશનના કદ અંગે કોઈ ચોક્કસ સમજૂતી ન હોય તો. જો એમ હોય તો, રિસીવીંગ દેશ (ભારત) વિદેશી દેશના રાજદ્વારીઓની સંખ્યાને એટલી મર્યાદિત રાખી શકે છે જેટલી તેને જરૂર હોય.’