કેનેડામાં મોટું સંકટ, ભારતીયો મુકાશે મુશ્કેલીમાં; આવક અને ખર્ચનું વધી રહ્યું છે અંતર…

ટોરેન્ટોઃ કેનેડાની ગણના વિશ્વના સૌથી સુરક્ષિત અને વિકસિત દેશોમાં થાય છે. ભારતીયો અને ગુજરાતીઓ મોટી સંખ્યામાં અહીં ભણવા અને નોકરી-ધંધા માટે જાય છે. પરંતુ તાજેતરમાં સામે આવેલા એક ડેટા મુજબ, કેનેડામાં આવક અને ખર્ચનું અંતર વધી રહ્યું છે.
જીવનનિર્વાહ ચલાવવો બની રહ્યો છે મુશ્કેલ
એક રિપોર્ટ મુજબ, મિનિમમ વેજ (લઘુત્તમ વેતન) અને લિવિંગ વેજ (જીવન નિર્વાહ જેટલું વેતન)માં મોટું અંતર જોવા મળ્યું છે. મિનિમમ વેજ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી સૌથી ઓછી મજૂરી છે. કોઈપણ કર્મચારીને આટલી રકમ તો મળવી જ જોઈએ. જ્યારે લિવિંગ વેજમાં ભાડું, ખાણી-પીણી, ટ્રાન્સપોર્ટ, વીજળી, પાણી, ફોન, ઈન્ટરનેટ તથા બીજા પાયાના ખર્ચ આરામથી પૂરા થઈ શકે છે. આજે સ્થિતિ એવી છે કે લોકોને મિનિમમ વેજ તો મળી રહ્યું છે પરંતુ લિવિંગ વેજ નથી મળતું, જેના કારણે જીવનનિર્વાહ ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે.
ભારતીયો મોટી સંખ્યામાં કરે છે મિનિમમ વેજ પર જોબ
ઈમિગ્રેંટ્સ, ફ્રેશર, ઓછું ભણેલા અને હાઈ સ્કીલ્ડ જોબ ન મળવાના કારણે ઘણા લોકો મિનિમમ વેજ પર કામ કરે છે. જેમાં ભારતીયોની મોટી સંખ્યા છે. કેનેડામાં ઘણી કોલેજ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે પાર્ટ ટાઈમ જોબ કરે છે. સામાન્ય રીતે કેફેમાં, ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં કેશિયર કે સેલ્સ જોબ કરતા હોય છે. જે સરળ અને ટ્રેનિંગ ફ્રેન્ડલી જોબ હોય છે. તેથી તેનું વેતન મિનિમમ વેજથી શરૂ થાય છે.
આ સેક્ટરમાં મળે છે સૌથી વધુ જોબ
રિટેલ કેનેડાનું સૌથી મોટું જોબ સેક્ટર છે. તેમાં સુપરમાર્કેટ, કપડાંની દુકાન, ઈલેક્ટ્રોનિક સ્ટોર, હોમ ઈમ્પ્રૂવમેન્ટ સ્ટોર હોય છે. તેમાં મોટાભાગે એન્ટ્રી લેવલ જોબ્સ હોય છે, તેથી તેમાં મિનિમમ વેજ મળે છે. ક્લનિંગ અને હોટલ સેક્ટરમાં હાઉસકિપિંગ, ઓફિસ ક્લિનિંગ, બિલ્ડિંગ મેન્ટેનેંસ વાળી નોકરી હોય છે, પરંતુ શરૂઆતમાં મિનિમમ વેજ આપવામાં આવે છે.
ઓવર ટાઈમ સતત વધી રહ્યો છે
નવા ઇમિગ્રન્ટ્સ સ્થાનિક અનુભવ, રેફરન્સ અને નેટવર્કની સમસ્યાને કારણે સૌથી પહેલા મિનિમમ વેજ વાળી નોકરીઓ જ કરે છે. ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો પણ જ્યાં સુધી તેમના ક્ષેત્રની સ્કિલ્ડ જોબ ન મળે ત્યાં સુધી મિનિમમ વેજ પર કામ કરે છે. આ વધતા ખર્ચે એવી પરિસ્થિતિઓ ઊભી કરી દીધી છે કે લોકો સાતેય દિવસ 8 કલાકથી પણ વધુ કામ કરવા મજબૂર છે. પોતાનો ખર્ચો કાઢવા માટે એક વિદ્યાર્થી દિવસે કેફેમાં તો રાત્રે સિક્યોરિટીની નોકરી કરે છે અને એક સારી નોકરીની આશા રાખે છે. જ્યારે પહેલાં ભારતનો ઓછો ભણેલો વર્ગ આ જ નોકરીઓમાં આરામદાયક જીવન પસાર કરી લેતો હતો.
અહીં ઓવર ટાઇમ કામ કરવું કોઈ નવી વાત નથી. પહેલાં કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ તેઓ પોતાની ફી જાતે ભરી દેશે તેવું વિચારીને ખુશી-ખુશી ઓવર ટાઇમ કરતા હતા. કેનેડા આવવા માટે જે લોકોની મદદ લીધી હતી, તેનો બોજ જલદીથી જલદી ઉતારી દેશે અથવા માતા-પિતાને થોડા પૈસા મોકલી દેશે, પરંતુ હવે પરિસ્થિતિ ઊલટી થઈ ગઈ છે. હવે અહીંના ખર્ચા જ ઓવર ટાઇમના ભરોસે પૂરા થઈ રહ્યા છે.
અહીં કમાણી તો છે પરંતુ ખર્ચ અનેક ગણો વધી ગયો છે. સરકારે થોડા દિવસો પહેલા મિનિમમ વેજમાં વધારો કર્યો હતો પરંતુ તે અપૂરતો છે. કેનેડામાં વધતી મોંઘવારીથી મિનિમમ વેજ પર કામ કરતાં લોકો સૌથી વધુ પ્રભાવિત થયા છે. જેમાં ભારતીયોની મોટી સંખ્યા છે. ઓછી આવક ધરાવતાં લોકો માટે બચત પણ મુશ્કેલ બની ગઈ છે. વિવિધ પરિસ્થિતિથી તંગ આવીને ઘણા લોકોએ સસ્તા વિસ્તારમાં ઘર શોધવાનું શરૂ કર્યું છે. કેટલાક પરિવારોએ લોન લીધી છે અને ખર્ચ પર કાપ મૂક્યો છે.
હાલ કેનેડામાં રોજગારી તો મળી રહી છે પરંતુ આવક અને ખર્ચનું સંતુલન બગડી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે જો મિનિમમ વેજ અને લિવિંગ વેજ વચ્ચે 10 ડૉલરનો ગેપ નહીં ઘટે તો લોકો પર આર્થિક દબાણ વધશે. હાઉસિંગ ક્રાઈસિસ વધુ ગંભીર થશે, કંપનીઓ પર વેતન વધારવાનું દબાણ વધશે. ઉપરાંત અનેક લોકો નાના શહેરોમાં શિફ્ટ થવાનું વિચારશે.
આ પણ વાંચો…ભારત-કેનેડા સંબંધો ફરી ટ્રેક પર! વેપાર, ટેકનોલોજી અને સંરક્ષણમાં સહયોગ વધારવા સહમતી…



