ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

‘કનેડા ખાલિસ્તાની કટ્ટરવાદીઓને પ્રોત્સાહિત કરી રહ્યું છે…’, ભારત પરત ફરતા પહેલા હાઈ કમિશનર સંજય વર્માના આરોપ

ઓટાવા: કેનેડામાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્મા(Sanjay Kumar Varma)એ દેશ પરત ફરતા પહેલા કેનેડા પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ખાલિસ્તાની ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓ કેનેડિયન સિક્યોરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (CSIS) સાથે ગાઢ રીતે જોડાયેલા છે. કેનેડાની એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં સંજય વર્માએ ખાલિસ્તાની અલગાવવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં કોઈ સંડોવણીનો ઈન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ દ્વિપક્ષીય રાજકીય સંબંધોને બરબાદ કરી નાખ્યા છે.

ખાલિસ્તાની અલગાવવાદી નિજ્જરની હત્યા સાથે જોડાયેલી તપાસમાં કેનેડાએ ભારતીય રાજદ્વારીઓ પર આરોપ લગાવ્યા બાદ, ભારતે સંજય કુમાર વર્મા અને અન્ય રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે.

સંજય વર્માએ કહ્યું કે ખાલિસ્તાની ઉગ્રવાદીઓને સતત પ્રોત્સાહન આપવામાં આવે છે. તેણે કહ્યું કે હું એ પણ જાણું છું કે આમાંથી કેટલાક ખાલિસ્તાની ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓ CSISની સંપત્તિ જેવા છે, હું કોઈ પુરાવા નહીં આપું.

સંજય વર્માએ કહ્યું કે કેનેડાની સરકારે તેમની ચિંતાઓને ગંભીરતાથી લેવી જોઈએ. તેમણે કહ્યું, “અમે ઈચ્છીએ છીએ કે તત્કાલીન કેનેડિયન સરકાર ભારતીય સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને નુકશાન પહોંચાડવા પ્રયાસ કરી રહેલા લોકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાને બદલે મારી મુખ્ય ચિંતાઓને નિષ્ઠાપૂર્વક સમજે. ભારતમાં શું થશે તે ભારતીય નાગરિકો નક્કી કરશે. આ ખાલિસ્તાની ઉગ્રવાદીઓ ભારતીય નાગરિકો નથી, તેઓ કેનેડાના નાગરિકો છે અને કોઈપણ દેશે તેના નાગરિકોને બીજા દેશના સાર્વભૌમત્વને નુકશાન પહોંચડવાની મંજૂરી આપવી જોઈએ નહીં.”

Also Read – ભારતમાં આતંકી પ્રવૃતિમાં સંડોવાયેલો છે આ કેનેડિયન અધિકારી, ટ્રુડો હવે શું કરશે?

તેમણે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના સંબંધમાં ઓટાવા દ્વારા તેમના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને પણ નકારી કાઢ્યા હતા. ટ્રુડો સરકારના આરોપો પર સંજય વર્માએ કહ્યું, “કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. આ આરોપો રાજકીય પ્રેરિત છે. તેઓ (વિદેશ પ્રધાન મેલાની જોય) કયા નક્કર પુરાવા વિશે વાત કરે છે. જ્યાં સુધી મારી વાત છે, ભારતના હાઈ કમિશનર તરીકે મેં ક્યારેય આવું કામ કંઈ કર્યું નથી. કેનેડામાં ખાલિસ્તાની તરફી તત્વો પર નજર રાખવી એ રાષ્ટ્રીય હિતનો વિષય છે.”

સંજય વર્માએ કહ્યું કે અમે અખબારો વાંચીએ છીએ, અમે તેમના નિવેદનો વાંચીએ છીએ, અમે પંજાબી સમજીએ છીએ, અમે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ વાંચીએ છીએ અને ત્યાંથી તારણો કાઢવાનો પ્રયાસ કરીએ છીએ.

નોંધનીય છે કે, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગયા વર્ષે કેનેડિયન સંસદમાં નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આક્ષેપ કર્યો ત્યારે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. ભારતે તમામ આરોપોને નકારી કાઢ્યા છે, તેમને વાહિયાત ગણાવ્યા છે અને કેનેડા પર તેના દેશમાં ઉગ્રવાદી અને ભારત વિરોધી તત્વોને જગ્યા આપવાનો આરોપ લગાવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button