ભારતીયો માટે કેનેડામાં ભણવું મોંઘું થયું, ટ્રુડો સરકારે સ્ટુડન્ટ ફંડ બમણું કર્યું
કેનેડા ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓને મોટો આંચકો લાગ્યો છે. ભારતીય વિદ્યાર્થીઓએ હવે કેનેડામાં અભ્યાસ કરવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે. કારણ કે ટ્રુડો સરકારે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આવી સ્થિતિમાં હવે વિદ્યાર્થીઓને ટ્યુશન ફી સિવાય વધુ પૈસાની જરૂર પડશે. કેનેડાના આ નિર્ણયના પગલે ભારતીય વિદ્યાર્થીઓમાં ચિંતા વ્યાપી ગઇ છે.
કેનેડા માટે સ્ટડી વિઝા મેળવવા માંગતા વિદ્યાર્થીઓને હાલમાં 10 હજાર ડોલરની જરૂર પડે છે. પરંતુ હવે એક વિદ્યાર્થીએ તેના ખાતામાં 20 હજાર 635 ડોલરની રકમ દર્શાવવી પડશે.એટલે કે હવે ભારતીય વિદ્યાર્થીએ અગાઉથી છથી સાડા છ લાખ રૂપિયા વધુ જમા કરાવવી પડશે. એટલું જ નહીં, જો વિદ્યાર્થીની સાથે પરિવારનો કોઈ સભ્ય પણ આવે તો 4 હજાર ડોલરની વધારાની વ્યવસ્થા કરવી પડશે.
કેનેડાની સરકારે આ પગલું ભારે હાઉસિંગ કટોકટી બાદ ઉઠાવ્યું છે. જેથી કેનેડા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરી શકાય. હાલમાં 8 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવા આવે છે. તેમાંથી 3 લાખ 20 હજાર ફક્ત ભારતના છે. આ વિદ્યાર્થીઓમાં પણ 70 ટકા માત્ર પંજાબના છે. ગુરુવારે કેનેડા સરકારના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું કે અમે સપ્ટેમ્બર 2024 પહેલા વિઝા મર્યાદિત કરવા માટે આ પગલું લઈ રહ્યા છીએ.
ઓટાવામાં પાર્લામેન્ટ હિલ ખાતે મીડિયાને સંબોધતા ઈમિગ્રેશન ખાતાના પ્રધાને કહ્યું હતું કે કેનેડા સરકાર છેતરપિંડી, શોષણ અને આવાસ જેવી સમસ્યાઓનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં આ તમામ મુદ્દાઓને ઉકેલવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે. જોકે, ત્યાં સ્થાયી થયેલા પંજાબીઓ આ નીતિનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સ્ટુડન્ટ ફંડને બમણું કરીને આ સમસ્યાઓને દૂર કરી શકાતી નથી. તેની જવાબદારી ટાળવા માટે સરકાર સમગ્ર બોજ વિદેશી વિદ્યાર્થીઓ પર નાખી રહી છે.
મિનિસ્ટર મિલરે જણાવ્યું હતું કે વિદેશી વિદ્યાર્થીઓની ઉચ્ચ હાજરીએ કેનેડામાં હાઉસિંગ કટોકટી સર્જી છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આમંત્રિત કરવી એ મોટી ભૂલ હશે. અમે શૈક્ષણિક સંસ્થઆઓ પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે તેઓ અભ્યાસ કરવા આવતા એટલા વિદ્યાર્થીઓને જ વિઝા આપે જેમને રહેવા માટે વ્યવસ્થા થઇ શકે.