અમેરિકા બાદ કેનેડાએ સાત લેટિન અમેરિકન જૂથોને આતંકવાદી જાહેર કર્યા

ઓટાવાઃ કેનેડાએ સાત લેટિન અમેરિકન ગુનાહિત સંગઠનોને આતંકવાદી જૂથ જાહેર કર્યા છે. આ પગલું ફેન્ટાનાઇલ નામના ખતરનાક ડ્રગની દાણચોરી રોકવા માટે લેવામાં આવ્યું છે. આ યાદીમાં મેક્સિકોના સિનાલોઆ કાર્ટેલ, જાલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ અને લા નુએવા ફેમિલિયા મિચોઆકાના જેવા મોટા નામ સામેલ છે.
કેનેડાના જાહેર સુરક્ષા પ્રધાન ડેવિડ મેકગિન્ટીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ નિર્ણયથી કેનેડા અને અમેરિકાના રસ્તાઓ પર ડ્રગ્સ પહોંચતું અટકાવી શકાશે. આ જાહેરાત અમેરિકાએ આઠ લેટિન અમેરિકન ગુનાહિત જૂથોને આતંકવાદી સંગઠનો તરીકે જાહેર કર્યાના એક દિવસ બાદ કરવામાં આવી છે.
આ પણ વાંચો: કેનેડાના વિઝા કઢાવવાનું કહી અમદાવાદના બે લોકો સાથે 50 લાખની છેતરપિંડી…
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આવતી ફેન્ટાનાઇલ અને ગેરકાયદે ઇમિગ્રેશનની ફરિયાદ કરી હતી. તેમણે કેનેડા પર ૨૫ ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી હતી, જે હવે ૪ માર્ચ સુધી મુલતવી રાખવામાં આવી છે.
જો કે યુ. એસ. ડેટા અનુસાર ઉત્તર સરહદ પર માત્ર ૧ ટકા ફેન્ટાનાઇલ પકડાઇ છે. તેમ છતાં કેનેડાએ મદદનું વચન આપ્યું છે. અન્ય આતંકવાદી સંગઠનોમાં મેક્સિકોના કાર્ટેલ ડેલ ગોલ્ફો, કાર્ટેલેસ યુનિડોસ, વેનેઝુએલાના ટ્રેન ડી અરાગુઆ અને અલ સાલ્વાડોરમાં સક્રિય એમએસ-૧૩ સામેલ છે.
આ પણ વાંચો: અટકાયત કેન્દ્રની કચરાપેટીમાં મારી પાઘડી ફેંકી દીધી, અમેરિકાથી પરત ફરેલા શીખ યુવાન…
આ પગલાથી આ સંસ્થાઓની મિલકત જપ્ત કરવામાં આવશે. બેંકો અને બ્રોકરેજ તેમના ખાતા ફ્રીઝ કરશે અને તેમની પ્રવૃતિઓમાં ભાગ લેવો ગુનો ગણવામાં આવશે. કેનેડિયન પોલીસ આરસીએમપી અનુસાર આ કાર્ટેલનું નેટવર્ક કેનેડા સુધી ફેલાયેલું છે. કેનેડાના કેટલાક લોકો મેક્સિકો અને દક્ષિણ અમેરિકામાં ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા છે.