
હવાઇયાત્રામાં કોઇપણ ફ્લાઇટનું ટેકઓફ અને લેન્ડિંગ આ 2 તબક્કા સૌથી વધુ જોખમી હોય છે, જો પાયલટ કુશળ ન હોય અને પૂરતી સતર્કતા અને ચોકસાઇ રાખવામાં ન આવે તો મોટી દુર્ઘટના સર્જાઇ શકે છે. આ બંને કાર્યો ભારે જવાબદારીભર્યા છે અને વિમાન ઉડાડવામાં પાયલટની આવડતની ખરેખરી કસોટી આ બંને તબક્કામાં થતી હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર બ્રિટિશ એરવેઝના વિમાનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
જેમાં ચોંકાવનારી રીતે ફ્લાઇટનું લેન્ડિંગ રહેણાંક વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે, થોડીઘણી લોકોની હાજરી પણ જોવા મળી રહી છે. લેન્ડિંગ વખતે કોઇ દુર્ઘટના નહોતી સર્જાઇ પરંતુ લોકોની ઉપસ્થિતિમાં રસ્તા પર અવરજવર થઇ રહી હોય તેવામાં વિમાનનું લેન્ડિંગ થાય એ જોઇને કોઇને પણ કૂતુહલ થાય. કેમકે સામાન્ય પણે આ પ્રકારે લેન્ડિંગ થતું નથી. રનવે પાસે આ રીતે લોકોની અવરજવર જોવા મળતી નથી. એરપોર્ટ પણ એવા વિસ્તારમાં બનાવવામાં આવે છે કે જ્યાં આસપાસમાં રહેણાંક વિસ્તાર ન હોય, જેથી વિમાનની ઘરઘરાટીથી લોકોને તકલીફ ન પહોંચે.
જો કે આ વીડિયોમાં એકદમ વિપરિત દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
રસ્તા પર ગાડીઓનો કાફલો છે, લોકો પણ ચાલતા જઇ રહ્યા છે, એ બધાની થોડેક જ ઉપરથી આ વિમાન એકદમ સ્લો સ્પીડમાં જઇ રહ્યું છે. વિમાન પણ શાંતિથી લેન્ડ થઇ ગયું અને કોઇને નુકસાન પણ ન થયું. આવો ચમત્કાર ક્યારેક જ જોવા મળે.
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 28 જાન્યુઆરીએ શેર કરવામાં આવ્યું અને અત્યાર સુધીમાં તેને 18.4 મિલિયન એટલે કે 1.8 કરોડ વાર જોવામાં આવ્યો છે. અનેક લોકોએ વીડિયો પર કમેન્ટ પણ કરી છે. યુઝર્સ જણાવી રહ્યા છે કે ફેક લાગી રહ્યો છે. તો અન્ય યુઝર્સે કહ્યું આ પ્રકારનું લેન્ડિંગ કોમન છે, કેરેબિયન આઇલેન્ડના સેન્ટ માર્ટિનના માહો બીચ પર પણ આવું લેન્ડિંગ થાય છે.