ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

બ્રિટનમાં મસ્જિદ સહીત અનેક જગ્યાએ તોડફોડ અને આગચંપી, કેમ થઇ રહી છે હિંસા? જાણો

લંડન: છેલ્લા ઘણા દિવસોથી બ્રિટનમાં શરણાર્થીઓ, ખાસ કરીને મુસ્લિમો શરણાર્થીઓ વિરુદ્ધ હિંસા ભડકી (UK riots against immigrants) ઉઠી છે. અહેવાલ મુજબ સોશિયલ મીડિયા પર ફેલાયેલી એક અફવાને કારણે બ્રિટનમાં અશાંતિ ફેલાઈ છે. દક્ષિણપંથી જૂથો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. લંડન અને માન્ચેસ્ટર સહિત બ્રિટનના 20 થી વધુ શહેરોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, જેમાં 50 થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ લોકો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને શરણાર્થીઓનો વિરોધ કરી રહ્યા છે.

રમખાણોના સંબંધમાં અત્યાર સુધીમાં લગભગ 400 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓએ મસ્જિદો સહિત અન્ય સ્થળોને પણ નિશાન બનાવી રહ્યા છે. પૂર્વી ઈંગ્લેન્ડમાં ચાકુ વડે થયલા હુમલામાં મૃત્યુ પામેલી ત્રણ છોકરીઓની સ્મૃતિ સભા દરમિયાન દક્ષિણપંથી લોકોના જૂથે એક મસ્જિદને પણ નિશાન બનાવ્યું હતું.

ટોળાએ ઇમિગ્રન્ટ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને શરણાર્થીઓના રહેણાંક વિસ્તારમાં મસ્જિદો અને હોટલ પર પણ હુમલો કરી રહ્યા છે. સ્ટેન્ડ અપ ટુ રેસીઝમ સંસ્થા ઇમિગ્રેશન વકીલો, શરણાર્થીને મદદ કરતી સંસ્થાઓ અને સહાય કેન્દ્રોને એકત્ર થવા હાકલ કરી છે. ઇમિગ્રેશન વિરોધી દેખાવોને વિખેરવા માટે હજારો પોલીસકર્મીઓને તૈયાર રાખવામાં આવ્યા છે, જેમાં ખાસ તાલીમ મેળવનારાઓનો પણ સમાવેશ થાય છે.

બ્રિટનમાં હિંસા કેમ થઇ રહી છે?
29 જુલાઈના રોજ, સાઉથ પોર્ટમાં ટેલર સ્વિફ્ટની થીમ ડાન્સ પાર્ટીમાં ત્રણ છોકરીઓની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી, આ હુમલામાં 8 અન્ય બાળકો પણ ઘાયલ થયા છે. આ ઘટના બાદ એવી અફવા ફેલાઈ હતી કે હુમલાખોર રાજકીય આશ્રય હેઠળનો મુસ્લિમ હતો. ત્યાર બાદ બ્રિટનમાં ઈમિગ્રેશન અને શરણાર્થીઓ વિરુદ્ધ રમખાણો શરૂ થઈ ગયા.

શા માટે મસ્જિદો પર હુમલા થાય છે?
એક અઠવાડિયા પહેલા, સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાથી ગુસ્સે થયેલા લોકોએ મસ્જિદ પર હુમલો કર્યો હતો. મસ્જિદ પર બોટલો, પથ્થરો અને ફટાકડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પોલીસના વાહનો પણ સળગાવી દેવામાં આવ્યા હતા.

વડા પ્રધાન કિઅર સ્ટારમરે પોતે સ્વીકાર્યું છે કે મસ્જિદોને નિશાન બનાવવામાં આવી રહી છે. બ્રિટિશ અખબાર ‘ગાર્ડિયન’એ ‘ટેલ મામા’ના એક વિશ્લેષણને ટાંકીને લખ્યું છે કે છેલ્લા એક સપ્તાહમાં મુસ્લિમોને મળતી ધમકીઓમાં પાંચ ગણો વધારો થયો છે.

‘ટેલ મામા’ શું છે?
ટેલ મામા એક મોનિટરિંગ જૂથ છે જે મુસ્લિમ સમુદાય સામેના હેટ ક્રાઈમ પર નજર રાખે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમોના વધતા ડરનો સીધો સંબંધ આ વિરોધ સાથે છે. આ મોનિટરિંગ ગ્રૂપ અનુસાર, લિવરપૂલ, સાઉથપોર્ટ અને હાર્ટલપૂલમાં લગભગ 10 મસ્જિદો પર હુમલો કરવામાં આવ્યો છે.

ઇમિગ્રેશન વકીલો પર વિશેષ ધ્યાન:
ગુસ્સે થયેલા વિરોધીઓ ઇમિગ્રેશન વકીલો અને તેમની ઓફિસોને પણ નિશાન બનાવી રહ્યા છે. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમેરે મંગળવારે સાંજે પ્રધાનો, પોલીસ અધિકારીઓ અને સુરક્ષા નિષ્ણાતો સાથે રમખાણોને કાબૂમાં લેવા વિગતવાર વ્યૂહરચના ઘડવા માટે બેઠકની અધ્યક્ષતા કરી હતી.

ઇમિગ્રન્ટ સામે ગુસ્સો શા માટે?
બ્રિટનમાં ઇમિગ્રન્ટની વધતી જતી વસ્તી એક રાજકીય મુદ્દો છે. બ્રિટનના લોકોને લાગે છે કે બહારના લોકોની વધતી વસ્તીને કારણે તેમના દેશની શિક્ષણ પ્રણાલી, સરકાર દ્વારા ચલાવવામાં આવતી આવાસ અને આરોગ્ય સેવાઓ પર વધુ દબાણ છે, જેના કારણે તેઓ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. બ્રિટનના લોકોને લાગે છે કે ઇમિગ્રન્ટ્સ ત્યાં પણ નોકરીઓ લઈ રહ્યા છે, તેથી બ્રિટીશ નાગરીકોમાં રોષ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button