Britain Election Result: ઋષિ સુનકે હાર સ્વીકારી, લેબર પાર્ટી અને કીર સ્ટારમેરને અભિનંદન પાઠવ્યા

લંડન: ગઈ કાલે 4 જુલાઈના રોજ બ્રિટનમાં મતદાન(Britain election Result) થયું હતું. હાલ મત ગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના વલણો મુજબ, કન્ઝર્વેટિવ પાર્ટી(Conservative party)ની કારમી હાર થઇ રહી છે, વડાપ્રધાન ઋષિ સુનકે(Rishi Sanak) હાર સ્વીકારી લીધી છે, જોકે ઋષિ સુનકે રિચમન્ડ અને નોર્થલેર્ટનમાં પોતાની બેઠકો જાળવી રાખી છે. બીજી તરફ લેબર પાર્ટીના કીર સ્ટારમેર(Keir Starmer) બ્રિટનના નવા વડા પ્રધાન બને એ નક્કી છે. તેમણે જીત બદલ જમતાનો આભાર વ્યક્ત કર્યો છે.
પ્રારંભિક પરિણામોમાં, લેબર પાર્ટીએ 318 બેઠકો જીતી છે જ્યારે સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટી અત્યાર સુધી માત્ર 67 બેઠકો જીતવામાં સફળ રહી છે. અત્યાર સુધીમાં 650માંથી 454 બેઠકો માટે પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં, લિબરલ ડેમોક્રેટ્સે 32 બેઠકો જીતી છે, સ્કોટિશ નેશનલ પાર્ટીએ ચાર બેઠકો જીતી છે અને રિફોર્મ યુકેએ ચાર બેઠકો જીતી છે. જ્યારે ગ્રીન પાર્ટી અત્યાર સુધી માત્ર એક જ સીટ જીતવામાં સફળ રહી છે.
ઋષિ સુનકે કહ્યું કે લેબર પાર્ટીએ આ સામાન્ય ચૂંટણી જીતી છે અને મેં કીર સ્ટારમરને તેમની જીત પર અભિનંદન આપવા ફોન કર્યો છે, હું હવે લંડન જઈશ. ત્યાં હું ચૂંટણી પરિણામો વિશે વિચાર-વિમર્શ કરીશ. વડાપ્રધાન પદ પર રહીને મેં મારા કાર્યકાળ દરમિયાન ઘણું કામ કર્યું.
પાર્ટીને મળી રહેલું જંગી સમર્થન જોઈને કીર સ્ટારમેરે જનતાનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે જેમણે અમને વોટ નથી આપ્યો અમે તેમના માટે પણ કામ કરીશું. સ્ટારમેરે જનતાને કહ્યું કે હું તમારા માટે બોલીશ, તમારા માટે દરરોજ લડીશ, પરિવર્તન માટે તૈયાર છું. સ્ટારમે કહ્યું કે પરિવર્તન હવે તમારા મતથી શરૂ થઈ રહ્યું છે.
61 વર્ષીય કીર સ્ટારમેર ચાર વર્ષથી બ્રિટિશ સંસદમાં વિરોધ પક્ષના નેતા છે.
સ્કોટલેન્ડમાં પણ લેબર પાર્ટીની જંગી જીતની શક્યતાઓ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લેબર પાર્ટી ત્યાં 30થી વધુ સીટો જીતી શકે છે. લેબર પાર્ટીના સ્કોટિશ નેતા અનસ અનવરે કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમને સ્કોટલેન્ડમાં પણ બહુમતી મળશે. આ પરિવર્તનનો સમયગાળો છે. અમારી પ્રથમ પ્રાથમિકતા કન્ઝર્વેટિવ સરકારના 14 વર્ષના શાસનને સમાપ્ત કરવાની છે, જેણે દેશને નુકસાન પહોંચાડ્યું છે. આવતીકાલથી મહત્વપૂર્ણ કામ શરૂ થશે. અમારું આગળનું પગલું 2026માં સ્કોટિશ સંસદીય ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે.
હાઉસ ઓફ કોમન્સમાં 650 સાંસદો સાથે બહુમતી સરકાર બનાવવા માટે, પાર્ટીને 326 બેઠકોની જરૂર છે. હારના સંકેતો મળ્યા બાદ વડાપ્રધાન ઋષિ સુનકે તેમના રાજીનામાની જાહેરાત કરી છે.
Also Read –