
એમેઝોન (બ્રાઝિલ): બ્રાઝિલના એમેઝોનાસ રાજ્યમાં શનિવારે એક પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ લોકોના મૃત્યુ થયા હતા. આ અકસ્માત રાજ્યની રાજધાની માનૌસથી લગભગ 400 કિમી (248 માઈલ) દૂર બાર્સેલોસ પ્રાંતમાં થયો હતો.
આ વિમાને મનૌસથી ઉડાન ભરી હતી. આ અકસ્માત સ્થાનિક સમય મુજબ લગભગ બપોરે 3 વાગ્યે થયો હતો. રિપોર્ટ્સ અનુસાર પ્લેન ખરાબ હવામાનને કારણે ક્રેશ થયું હતું. લેન્ડિંગ સમયે ભારે વરસાદ પડી રહ્યો હતો. પ્લેન લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મૃતકોમાં અમેરિકન નાગરિકો પણ સામેલ છે.
એમેઝોનાસ રાજ્યના ગવર્નર, વિલ્સન લિમાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, “બાર્સેલોનામાં શનિવારે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 12 મુસાફરો અને બે ક્રૂ સભ્યોના મૃત્યુથી હું ખૂબ જ દુઃખી છું.” અમારી ટીમ જરૂરી સહાય પૂરી પાડવા માટે કામ કરી રહી છે. મારી સંવેદના અને પ્રાર્થના મૃતકોના પરિવાર અને સંબંધીઓ સાથે છે.
અગાઉ, મનૌસ એરોટેક્સી એરલાઈને વિમાન દુર્ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું હતું કે તે ઘટનાની તપાસ કરી રહી છે, પરંતુ તેણે મૃત્યુ વિશે કોઈ માહિતી શેર કરી નથી.
એરલાઈને તેના નિવેદનમાં કહ્યું હતું કે આ મુશ્કેલ સમયે, અમે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની ગોપનીયતાનું સન્માન કરવામાં વિશ્વાસ રાખીએ છીએ અને તપાસ આગળ વધવાની સાથે તમામ માહિતી જાહેર કરવામાં આવશે