બોલો હવે અહી સિલેબસમાં ભૂત અને ચૂડેલના પાઠ પણ ભણાવવામાં આવશે…
જો તમે હેરી પોટર ફિલ્મ જોઈ હોય તો તમને સ્કૂલ હોગવર્ટ્સ યાદ જ હશે. પરંતુ શું ખરેખર મેલીવિદ્યાની કોઇ કોલેજ હોઈ શકે? બ્રિટિશ યુનિવર્સિટી જાદુ અને તંત્ર-મંત્ર પર પીજી કોર્સ શરૂ કરવા જઈ રહી છે. આ છે બ્રિટનની એક્સેટર યુનિવર્સિટી. યુનિવર્સિટી ઓફ એક્સેટર બ્રિટનની પ્રથમ યુનિવર્સિટી હશે જે જાદુ અને ગુપ્ત વિજ્ઞાન પર પીજી કોર્સ શરૂ કરશે.
કોર્સ લીડર અને એક પ્રોફેસરે જણાવ્યું હતું કે અત્યારના સમયમાં જાદુ અને ગુપ્ત વિજ્ઞાનમાં લોકોની રુચિમાં વધારો થયો છે. તેથી યુનિવર્સિટીએ મેલીવિદ્યાનો એમ.એ.નો કોર્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું હતું કે આ કોર્સ દરમિયાન મેલીવિદ્યાની અસર અને વિશ્વભરના સમાજ અને વિજ્ઞાન પર તેના ઈતિહાસનો અભ્યાસ કરવામાં આવશે.
આ કોર્સ સપ્ટેમ્બર 2024થી શરૂ થશે. તે ઇતિહાસ, સાહિત્ય, ફિલસૂફી, પુરાતત્વ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, નાટક અને ધર્મમાં નિપુણતા ધરાવતા શિક્ષણવિદો દ્વારા શીખવવામાં આવશે. જેમાં ખાસ કરીને જાદુ અને જાદુનો ઉદય, ભૂત અને પિશાચની ઉત્પત્તિ તેમજ તે કેવી રીતે કામ કરે છે જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવશે.
આ ઉપરાંત આ કોર્સમાં વેસ્ટર્ન લિટરેચર એન્ડ આર્ટ, વિચેસ, ડ્રેગન, ધ લિજેન્ડ ઓફ કિંગ આર્થર, ઇસ્લામિક થોટ, પોર્ટ્રેયલ ઓફ વુમન ઇન ધ મિડલ એજ અને આર્કિયોલોજિકલ થિયરી અને પ્રેક્ટિકલ જેવા વિષયોનો પણ સમાવેશ કરવામાં આવશે.