
લાપાઝઃ હમાસ આતંકવાદી જૂથ સાથે યહૂદી દેશ ઇઝરાયલના ચાલુ સંઘર્ષ વચ્ચે દક્ષિણ અમેરિકન દેશ બોલિવિયાએ ગાઝા પટ્ટીમાં આક્રમક લશ્કરી આક્રમણની નિંદા કરી છે. બોલિવિયાએ ગાઝા પટ્ટી પર ઈઝરાયલના હુમલાને માનવતા વિરુદ્ધ અપરાધ ગણાવ્યો છે અને તેની સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા છે.
બોલિવિયાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર ફ્રેડી મામાનીએ એક પ્રેસ કોન્ફરન્સમાં આની જાહેરાત કરી હતી. બોલિવિયાએ ઇઝરાયલને ગાઝા પટ્ટી પર હુમલા બંધ કરવાની માગ કરી છે. દેશના ડાબેરી પ્રમુખ લુઇશ આર્સ લાંબા સમયથી ઇઝરાયલના હુમલાઓની નિંદા કરી રહ્યા છે.
સોમવારે તેમણે બોલિવિયા ખાતેના પેલેસ્ટાઇનના રાજદૂત મહમૂદ ઇલાલવાની સાથે મુલાકાત કરી હતી અને બાદમાં ઇઝરાયલ સાથે સંબંધ તોડવાની અને ગાઝા પટ્ટીના અસરગ્રસ્તોને માનવતાવાદી સહાય મોકલવાની જાહેરાત કરી હતી.
હમાસના ઇઝરાયલ પર હુમલા બાદ ગાઝામાં ઈઝરાયલની લશ્કરી કાર્યવાહીમાં દસ હજારથી વધુ લોકો માર્યા ગયા છે અને 14 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી હમાસનો ખાત્મો નહીં થાય, ત્યાં સુધી યુદ્ધવિરામ નહીં થાય.
જોકે, આ પહેલી વાર નથી કે બોલિવિયાએ ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા હોય. અગાઉ 2009માં પણ બોલિવિયાએ ગાઝા યુદ્ધને લઇને ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા હતા, જે બાદમાં 2020માં ફરીથી સ્થાપિત કરવામાં આવ્યા હતા.