અમેરિકામાં બોઇંગ ફેક્ટરીના કામદારો હડતાળ પર ઉતર્યાઃ એરક્રાફ્ટનું ઉત્પાદન બંધ થશે
સિએટલઃ અમેરિકાના પશ્ચિમ કિનારે આવેલા બંદર શહેર સિએટલ નજીક બોઇંગ ફેક્ટરીમાં વિમાન એસેમ્બલી કર્મચારીઓએ કામ કરવાનું બંધ કરી દીધું છે. કર્મચારી યુનિયનના સભ્યોએ હડતાળ પર જવાની તથા એક કામચલાઉ કરારને નકારવાની તરફેણમાં ભારે મતદાન કર્યું હતું. આ કરાર અંતર્ગત ચાર વર્ષમાં પગારમાં ૨૫ ટકાનો વધારો થવાનો હતો. હડતાળ મધ્યરાત્રિએ ૧૨-૦૧ વાગ્યે શરૂ થઇ હતી.
ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ મશિનિસ્ટ્સ એન્ડ એરોસ્પેસ વર્કર્સના સ્થાનિક એકમે જાહેરાત કરી કે ૯૪.૬ ટકા કામદારોએ પ્રસ્તાવિત કરાર ઠુકરાવી દીધો છે અને ૯૬ ટકાએ કામ બંધ કરવાને સમર્થન આપ્યું છે. આ જાહેરાતના ત્રણ કલાકથી ઓછા સમયમાં હડતાળ શરૂ થઇ હતી. આ હડતાલ માટે જરૂરી બે તૃતિયાંશ મતદાન કરતાં ઘણું વધારે છે.
શ્રમિક હડતાળમાં ૩૩,૦૦૦ બોઇંગ મશીનિસ્ટ સામેલ છે, જેમાંથી મોટાભાગના વોશિંગ્ટન રાજ્યમાં છે. કંપનીના સૌથી વધુ વેચાતા એરલાઇન એરક્રાફ્ટનું ઉત્પાદન બંધ થવાની શક્યતા છે. હડતાળથી કમર્શિયલ ફ્લાઇટ્સ પર કોઇ અસર પડશે નહીં, પરંતુ તે કંપની માટે વધુ એક ફટકો સાબિત થશે. જેની પ્રતિષ્ઠા અને નાણાકીય સ્થિતિ આ વર્ષે મેન્યુફેક્ચરિંગ સમસ્યાઓ અને બહુવિધ સરકારી તપાસોને કારણે ખરાબ થઇ છે.
હડતાળ કરી રહેલા મશીનિસ્ટ્સ વોશિંગ્ટનના રેંટન અને એવરેટ કારખાનાઓમાં બોઇંગના સૌથી વધુ વેચાતા એરલાઇનર ૭૩૭ મેક્સની સાથે સાથે ૭૭૭ અથવા ટ્રિપલ-સેવન જેટ અને ૭૬૭ કાર્ગો વિમાનને એસેમ્બલ કરે છે.
હડતાળથી સંભવતઃ બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનરનું ઉત્પાદન બંધ નહીં થાય, જેને શ્રમિક સંગઠનોથી અસંબંધિત કર્મચારીઓ દ્વારા સાઉથ કેરોલિનામાં બનાવવામાં આવે છે. બોઇંગના જણાવ્યા અનુસાર મશીનો પર કામ કરતા કામદારો ઓવરટાઇમને બાદ કરતાં દર વર્ષે સરેરાશ ૭૫,૬૦૮ ડોલર કમાય છે. જે ચાર વર્ષના કરારના અંતે તે વધીને ૧,૦૬,૩૫૦ ડોલર થશે.