પાકિસ્તાની નેતાએ કરેલ રાહુલ ગાંધીના વખાણ પર ભાજપે કોંગ્રેસ પર માછલા ધોયા !
નવી દિલ્હી : પાકિસ્તાનનાં પૂર્વ મંત્રીએ કરેલી એક પોસ્ટના લીધે ભારતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તણાવ પેદા થઇ ચુક્યો છે. ચૌધરી ફવાદ હુસૈને શેર કરેલી એક પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ભાષણના અમુક અંશો રજુ કરવામાં આવ્યા છે, જેનું શીર્ષક છે “રાહુલ ઓન ફાયર”. જેને લઈને ભાજપે કોંગ્રેસ પર માછલા ધોયા હતા. ભાજપનાં આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયએ ઇમરાન ખાનની કેબીનેટમાં મંત્રી રહી ચુકેલા ફવાદ હુસૈનની પાછલી ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવતા કોંગ્રેસનાં પાકિસ્તાન જોડાણ પર સવાલો ઉઠાવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, “ઇમરાન ખાનની કેબિનેટમાં સુચના અને પ્રસારણ મંત્રી રહી ચુકેલા ચૌધરી ફવાદ હુસૈન રાહુલ ગાંધીનો પ્રચાર કરી રહ્યા છે. શું કોંગ્રેસ પાકિસ્તાનમાં ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છે ? મુસ્લિમ લીગની છાપ ધરાવતા ચૂંટણી ઢંઢેરાથી લઈને સરહદ પારથી સમર્થન સુધી, કોંગ્રેસનાં પાકિસ્તાન સાથેનું ગઠબંધન આનાથી વધારે સ્પષ્ટ ન થઇ શકે.”
તો સાથે જ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેજાદ પુનાવાલાએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેને પોસ્ટમાં કહ્યું હતું કે, “કોંગ્રેસનો હાથ પાકિસ્તાનને સાથ.પહેલા હાફિજ સૈયદે પણ કહ્યું હતું કે કોંગ્રેસ તેની ગમતી પાર્ટી છે. પીએમ મોદીને વડાપ્રધાન પદ પરથી હટાવવા માટે મણી અય્યર પાકિસ્તાન ગયા હતા. અમને યાદ છે કે કોંગ્રેસનાં નેતાઓએ જાહેરમાં પાકિસ્તાન જિંદાબાદનાં નારા લગાવ્યા હતા અને બી. કે. હરીપ્રસાદે ખુલ્લેઆમ પાકિસ્તાનની વકાલત કરી હતી. સમય સમય પર કોંગ્રેસના નેતાઓએ પાકિસ્તાની આતંકવાદીઓનુ સમર્થન કર્યું હતું.”