બાઇડેન અને જિનપિંગ વચ્ચે થઇ ડીલ… ભારતને થશે ઘણો ફાયદો!જાણો શું છે સમગ્ર મામલો
વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની તાજેતરની બેઠકમાં વૈશ્વિક સમીકરણોમાં બદલાવ જોવા મળ્યો છે. બે વૈશ્વિક મહાસત્તાઓના વડાઓ વચ્ચેની આ બેઠક માત્ર દ્વિપક્ષીય મામલો નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત પર પણ તેની અસર પડી શકે છે, ખાસ કરીને જ્યારે ભારતનો ચીન સાથે લાંબા સમયથી સરહદ વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આ બાબત ઘણી મહત્વપૂર્ણ બની જાય છે.
બાઇડેન અને જિનપિંગ વચ્ચેની તાજેતરની વાતચીતને બંને દેશો વચ્ચેના ઠરી ગયેલા સંબંધોve બરફના પડને ઓગળવાની દિશામાં એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહી છે. આ ચર્ચાનું ધ્યાન જળવાયુ પરિવર્તન જેવા વૈશ્વિક પડકારો પર હતું, પરંતુ બંને દેશોએ અન્ય ઘણા પડકારો પર પણ સહયોગ કરવાની તેમની ઈચ્છા દર્શાવી હતી. આ નવા વિકાસને બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા અને સામૂહિક પ્રયાસો વધારવાના નવા યુગની શરૂઆત તરીકે જોઈ શકાય છે. આ બેઠકને ચીન માટે મોટા રાજદ્વારી લાભ તરીકે જોવામાં આવી રહી છે. ચીનનો હેતુ બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા અને આર્થિક વિકાસ દર વધારવા માટે વિદેશી રોકાણ વધારવાનો છે.
આ બેઠકથી ચીનને રાજદ્વારી રીતે ફાયદો થયો છે. ચીન તેની આર્થિક વૃદ્ધિ વધારવા અને વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે અમેરિકા સાથેના તણાવને ઘટાડવા માંગતું હતું. આવી સ્થિતિમાં અમેરિકા અને ચીન વચ્ચે સૈન્ય મંત્રણા ફરી શરૂ થવાને ચીનની જીત તરીકે જોવામાં આવી શકે છે. ગયા વર્ષે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાતને કારણે બંને દેશો વચ્ચે સૈન્ય મંત્રણા ખોરવાઈ ગઈ હતી.
વૈશ્વિક સ્તરે થઈ રહેલા આ ફેરફારો વચ્ચે ભારત ખૂબ જ જટિલ પરિસ્થિતિમાં છે. 2020માં ગલવાન ખીણમાં અથડામણ બાદ ચીન સાથેની સરહદ પર તણાવ છે. આવી સ્થિતિમાં અમેરિકા અને ચીનના સંબંધોમાં બદલાતા સમીકરણોને કારણે ચીન પ્રત્યે ભારતનો અભિગમ પ્રભાવિત થઈ શકે છે.
એશિયા અને ઈન્ડો પેસિફિક ક્ષેત્રના બદલાતા સમીકરણોને કારણે ભારત અને અમેરિકાએ પોતાના સંબંધોને નવા સ્તરે લઈ જવા પર વિચાર કરવો પડશે. અમેરિકાએ વારંવાર પુનરોચ્ચાર કર્યો છે કે તેની પ્રાથમિકતા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પ્રાદેશિક વર્ચસ્વના ચીનના દાવાને પડકારવા અને આ ક્ષેત્રમાં તેના વધતા પ્રભાવને ઘટાડવાની છે. ચીન પ્રત્યે આક્રમક વલણ અપનાવવાથી લઈને ઉચ્ચ સ્તરીય સૈન્ય વાટાઘાટો ફરી શરૂ કરવા સુધીના અમેરિકાના વલણમાં આવેલો આ ફેરફાર ચીન સાથે વ્યવહાર કરવાની તેની રણનીતિમાં ફેરફાર દર્શાવે છે.
અમેરિકાની નીતિમાં આવેલો ફેરફાર એ તથ્ય પર પણ આધારિત છે કે 2022માં બંને દેશનો દ્વિપક્ષીય વેપાર 700 અબજ ડૉલર પાર કરી ગયો હતો.
ભારતની પોતાની નીતિઓ છે. તે અમેરિકા, ચીન અને રશિયા સાથે પોતાના સંબંધોમાં તાલમેલ સાધવાની સતત કોશિશોમાં છે. ભારત હાલમાં અમેરિકા સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા નવી શક્યતાઓનો લાભ લેવા પર, રશિયા સાથે લાંબા ગાળાના સંબંધો જાળવી રાખવા પર અને ચીન સાથેના તણાવપૂર્ણ સંબંધોને યોગ્ય રીતે સંચાલિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
યુએસ-ચીન સૈન્ય મંત્રણા ફરી શરૂ થવાથી અને બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારાનો સીધો ફાયદો ભારતને મળશે. એનું ચોખ્ખુ કારણ એ છે કે અમેરિકા અને ભારત વચ્ચે ઝડપથી વધી રહેલી સૈન્ય ભાગીદારીથી અકળાઇને LAC પર ચીને ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક પગલાં લીધા હતા. જો અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ઓછો થશે તો ચીનને ભારતને નિશાન બનાવવાનો બહુ અવકાશ નહીં રહે.
સૈન્ય વાટાઘાટોને લઈને અમેરિકા અને ચીન વચ્ચે થયેલી સમજૂતી ભારતને ઘણી આશા આપે છે, પણ ભારત અને ચીન વચ્ચેની સમસ્યાઓ અને તેમની વચ્ચે અવિશ્વાસની લાગણીને નકારી શકાય તેમ નથી. શું LAC પર ચીનના વલણમાં કોઈ નક્કર ફેરફાર થશે? એ સવાલ પણ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં ભારતે તેના રાજદ્વારી અને વ્યૂહાત્મક અભિગમ પર ફરીથી વિચાર કરવાનો સમય આવી ગયો છે.