ઇન્ટરનેશનલ

બાઇડેનની ઇઝરાયલ મુલાકાત પહેલા પુતિન થયા સક્રિય

જિનપિંગને મળવા ચીન પહોંચ્યા

બેઇજિંગઃ ઇઝરાયલ-હમાસ સંઘર્ષમાં દુનિયા બે ભાગમાં વહેંચાઇ ગઇ છે. દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મંગળવારે (17 ઓક્ટોબર) તેમના મિત્ર શી જિનપિંગને મળવા ચીન પહોંચ્યા છે . પુતિન તેમના ચીન પ્રવાસ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે. એવું માનવામાં આવે છે કે બંને નેતાઓ વચ્ચે બુધવારે (18 ઓક્ટોબર) મુલાકાત થશે . આ દરમિયાન બંને વચ્ચે ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

યુએસ પ્રમુખ જો બાઇડેન યુદ્ધ વચ્ચે ઇઝરાયેલની મુલાકાત લેવાના છે. વિદેશ મંત્રી બ્લિંકને પુષ્ટિ કરી છે. ઇઝરાયલ-હમાસ સંઘર્ષમાં અમેરિકાએ ઇઝરાયલનું સમર્થન કર્યું છે. હવે બાઇડેનની ઇઝરાયલ મુલાકાત પહેલા પુતિન ચીન પહોંચતા રાજકીય જગતમાં ખળભળાટ મચ્યો છે.


ગાઝા પટ્ટીમાં ઇઝરાયલની કાર્યવાહી ચાલુ છે. ઇઝરાયલની સેના મોટા ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી કરી રહી છે જેથી હમાસને સંપૂર્ણ રીતે ખતમ કરી શકાય. ઇઝરાયલના પીએમ નેતન્યાહુએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાડિમિર પુતિન સાથે ફોન પર વાત કરી હતી અને તેમને યુદ્ધની જમીની પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા.


રશિયન રાષ્ટ્રપતિએ નેતન્યાહુને કહ્યું કે રશિયા રાજદ્વારી માધ્યમથી શાંતિપૂર્ણ રીતે સંઘર્ષને સમાપ્ત કરવામાં મદદ કરવા તૈયાર છે. જો કે, નેતન્યાહુએ શાંતિ વિશે વાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. ઈઝરાયેલના પીએમએ સ્પષ્ટ કહ્યું હતું કે ઈઝરાયલ હવે અટકવાનું નથી. નોંધનીય છે કે રશિયાના પ્રમુખે પેલેસ્ટાઇનને ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું છે. રશિયાએ ગાઝામાં ઈઝરાયલની સૈન્ય કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે.

ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં ચીન પોતાનો ‘પીસમેકર’ ઝંડો દેખાડીને ઈઝરાયલની દરેક કાર્યવાહી પર પોતાની ‘મહાન’ ટિપ્પણી કરતું જોવા મળે છે. ચીનના વિદેશ મંત્રાલય તરફથી જે પણ નિવેદનો સામે આવ્યા છે તેમાં ન તો હમાસનું નામ લેવામાં આવ્યું છે અને ન તો ઈઝરાયલમાં નિર્દોષોની હત્યા અંગે કોઈ ચર્ચા કરવામાં આવી છે. તેણે માત્ર ઈઝરાયલની કાર્યવાહી પર સવાલ કર્યા છે. આ પરિસ્થિતિમાં પુતિન-જિનપિંગની મુલાકાત શું રંગ લાવે છે તે જોવું રહ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button