અમેરિકી રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ મંજૂર, બાઇડને આપી આવી પ્રતિક્રિયા…

બાઇડેનના પુત્ર હન્ટર બિડેનના વિવાદાસ્પદ આંતરરાષ્ટ્રીય વ્યવહારના આધારે રાષ્ટ્રપતિ જો બિડેન સામે ઔપચારિક મહાભિયોગની તપાસ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેમાં યુએસ સંસદે રાષ્ટ્રપતિ જો બાઇડેન સામે મહાભિયોગ પ્રસ્તાવને મંજૂરી આપી છે. અમેરિકી સંસદમાં આ પ્રસ્તાવ પર મહાભિયોગની તરફેણમાં 221 વોટ મળ્યા જ્યારે તેની વિરુદ્ધમાં 212 જ વોટ મળ્યા હતા. આ પ્રસ્તાવમાં તેમના આ પગલાને ડેમોક્રેટ્સ પાર્ટીએ પાયાવિહોણું ગણાવ્યું છે.
જો બાઇડને કહ્યું હતું કે ગૃહના મતએ પાયા વિહોણા અને રાજકીય સ્ટંટ છે. અમેરિકનોના જીવનને સુધારવામાં મદદ કરવાને બદલે, તેઓ મારા પર જુઠ્ઠાણાથી હુમલો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જો કે રિપબ્લિકન પાર્ટીએ હજુ સુધી રાષ્ટ્રપતિ જો બાઇડેન વિરુદ્ધ કોઈ પુરાવા રજૂ કર્યા નથી. આથી ડેમોક્રેટિકની આગેવાની હેઠળની સેનેટ બાઇડેન દોષિત ઠેરવે તેવી શક્યતા નથી. તેમ છતાં મહાભિયોગ પ્રસ્તાવ 2024ની ચૂંટણીમાં બાઇડેન માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
બાઇડને રિપબ્લિકન પાર્ટી પર યુક્રેન અને ઈઝરાયલને મોકલવામાં આવતા ફંડને રોકવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હું યુક્રેનના રાષ્ટ્રપતિને મળ્યો જેઓ તેમના લોકોને રશિયનો સામે લડવા માટે સજ્જ કરી રહ્યા છે. તેઓ મદદ માંગવા માટે અમેરિકા આવ્યા હતા પરંતુ કોંગ્રેસમાં રિપબ્લિકન તેમને મદદ કરવા માટે કંઈ કરી રહ્યા નથી.
નોંધનીય છે કે અત્યાર સુધી ત્રણ અમેરિકી રાષ્ટ્રપતિઓ પર મહાભિયોગ કરવામાં આવ્યો છે – જેમાં 1868માં એન્ડ્ર્યુ જોનસન, 1998માં બિલ ક્લિન્ટન અને 2019 અને 2021માં ટ્રમ્પ પર મહાભિયોગ કરવામાં આવ્યો છે પરંતુ સેનેટ દ્વારા કોઈને પણ પદ પરથી હટાવવામાં આવ્યા નથી. જ્યારે રિચાર્ડ નિક્સન વોટરગેટ કૌભાંડને કારણે લગભગ ચોક્કસ મહાભિયોગનો સામનો કરીને 1974 માં રાજીનામું આપ્યું હતું.