‘નેતન્યાહુ મોટી ભૂલ કરી રહ્યા છે’, જો બાઈડેને ગાઝા યુદ્ધ બાબતે ઇઝરાયલની ટીકા કરી
વોશિંગ્ટન: પેલેસ્ટાઇન(Palestine)પર ઇઝરાયેલ(Israel)ના કબજાને અમેરિકા(USA) હંમેશા સમર્થન આપતું રહ્યું છે, હાલમાં હમાસ(Hamas) સામેના યુદ્ધમાં પણ યુએસ પ્રમુખ જો બાઈડેન(Jo Biden) ઇઝરાયલ અને વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ(Benjamin Netanyahu)ને સમર્થન આપતા રહ્યા છે. પરંતુ ગાઝામાં ઇઝરાયલ દ્વારા નિર્દોષ નાગરીકોની નિર્મમ હત્યા કરવામાં આવી રહી છે ત્યારે બાઈડેને બેન્જામિન નેતન્યાહૂની ટીકા કરી છે. બાઈડેને કહ્યું જે બેન્જામિન નેતન્યાહૂ ભૂલ કરી રહ્યા છે.
ગાઝામાં ઇઝરાયલના હવાઈ હુમલામાં ફૂડ ચેરિટી વર્લ્ડ સેન્ટ્રલ કિચનના સાત કર્મચારીઓ માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના વિદેશી હતા. ત્યાર બાદ યુનાઈટેડ સ્ટેટ્સ ઈઝરાયેલના અભિગમની ટીકા કરી રહ્યું છે.
બાઈડેને સ્પેનિશ બ્રોડકાસ્ટર યુનિવિઝનને ઈન્ટરવ્યું આપ્યો હતો. આ દરમિયાન બાઈડેનને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું નેતન્યાહુ તેમના રાજકીય અસ્તિત્વને રાષ્ટ્રીય હિતથી વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. ત્યારે બાઈડેને કહ્યું કે “તેઓ(નેતન્યાહૂ) જે કરી રહ્યા છે તે એક ભૂલ છે. હું તેમના અભિગમ સાથે સહમત નથી.”
નેતન્યાહુએ સ્વીકાર્યું કે તેના સશસ્ત્ર દળોના ગાઝામાં હવાઈ હુમલામાં સાત સહાય કર્મચારીઓના મોત થયા હતા, પરંતુ દાવો કર્યો કે તે અજાણતા થયું હતું. નેતન્યાહુએ કહ્યું હતું કે “દુર્ભાગ્યવશ, ગાઝા પટ્ટીમાં અમારા સશસ્ત્ર દળોના હુમલામાં અજાણતાં જ નિર્દોષ લોકોના મોતનો એક દુ:ખદ કિસ્સો બન્યો છે. યુદ્ધમાં આવું થયા કરે છે, અમે તેની તપાસ કરીશું… અમે અન્ય સરકારોના સંપર્કમાં છીએ, આવી ઘટના ફરીથી ન બને એનું ધ્યાન રાખીશ.”
બાઈડેને આ ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને વોશિંગ્ટને હમાસ સામે ઇઝરાયેલના યુદ્ધ અંગે તેની નીતિમાં ફેરફાર કરવાની ચેતવણી આપી હતી..
ઇઝરાયલના સતત હુમલા અને ઘેરાબંધીને કારણે ગાઝામાં ગંભીર માનવીય સંકટ ઉભું થયું છે. ઇઝરાયેલ દ્વારા સહાય વિતરણ વધારવાના દાવો કરવામાં આવ્યો છે, પરંતુ સહાય સંસ્થાઓએ લોજિસ્ટિકલ પડકારો અને સુરક્ષા ચિંતાઓને ટાંકીને પુરવઠાના ધીમા વિતરણની ટીકા કરી છે. ઇઝરાયલી હવાઈ હુમલાને કારણે યુદ્ધગ્રસ્ત પ્રદેશમાં સહાયનું વિતરણ મુશ્કેલ બન્યુ છે.