નસરાલ્લાહ અને નેતન્યાહુ બંને યુદ્ધવિરામ માટે સંમત થયા હતા! લેબનોન પ્રધાનનો ઘટસ્ફોટ
બૈરુત: થોડા દિવસ અગાઉ ઇઝરાયલે બૈરુતમાં એર સ્ટ્રાઈક કરીને હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ(Hassan Nasrallah)ની હત્યા કરી હતી, નસરાલ્લાહની હત્યાના મધ્યપૂર્વમાં ઘેરા પ્રતીઘાતો પડ્યા હતાં. એવામાં લેબનોનના વિદેશ પ્રધાન અબ્દલ્લાહ બોઉ હબીબે (Abdallah Bou Habib) આજે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, હસન નસરાલ્લાહ અને ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ યુદ્ધવિરામ માટે સંમત થયા હતા, ત્યાર બાદ નસરાલ્લાહની હત્યા કરવામાં આવી હતી.
એક અમેરિકન મીડિયા સંસ્થા સાથે વાત કરતા બોઉ હબીબે કહ્યું કે તેઓએ યુ.એસ. અને ફ્રાન્સના પ્રતિનિધિઓને પણ યુદ્ધવિરામના નિર્ણય વિશે જાણ કરી હતી. હસન નસરાલ્લાહ 27 સપ્ટેમ્બરના રોજ ઇઝરાયલી એર સ્ટ્રાઈકમાં માર્યા ગયા હતાં. હિઝબુલ્લાહએ એક નિવેદનમાં નસરાલ્લાહના મૃત્યુની પુષ્ટિ કરી હતી, પરંતુ તેઓ કેવી રીતે માર્યા ગયા તે જણાવ્યું ન હતું. અહેવાલ મુજબ જણાવ્યું હતું કે તેના શરીર પર કોઈ સીધો ઘા દેખાયો ન હતો, વિસ્ફોટને કારણે લાગેલા આઘાતથી તેમનું મોત થયું હતું.
બોઉ હબીબે જણાવ્યું કે “નસરાલ્લાહ યુદ્ધવિરામ માટે સંમત થયા હતાં. લેબનીઝ હાઉસ સ્પીકર નબીહ બેરીએ હિઝબોલ્લાહ સાથે પરામર્શ કર્યો હતો અને અમે અમેરિકા અને ફ્રાંસને કરાર વિશે જાણ કરી હતી. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પણ બંને રાષ્ટ્રપતિઓ દ્વારા જાહેર કરાયેલા નિવેદન માટે સંમત થયા હતા.”
યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાન્સ અને અન્ય સાથીઓ દેશોએ 25 સપ્ટેમ્બરના રોજ 21-દિવસના યુદ્ધવિરામની અપીલ કરી હતી. યુસ રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમના ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને બેઠક કરી હતી. પરંતુ નેતન્યાહુએ એક દિવસ પછી યુદ્ધવિરામ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો, લશ્કરને “સંપૂર્ણ બળ સાથે લડાઈ” ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો.
અહેવાલ મુજબ ઈરાનના સર્વોચ્ચ વડા આયાતુલ્લાહ અલી ખામેનીએ ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયાના થોડા દિવસો પહેલા નસરાલ્લાહને લેબનોન છોડીને ભાગી જવાની ચેતવણી આપી હતી.