બાંગ્લાદેશમાં યુનુસ સરકાર એક્શનમાં, હિંદુ યુવક દીપુ ચંદ્ર દાસની હત્યા કેસમાં સાત લોકોની ધરપકડ

ઢાકા: બાંગ્લાદેશમાં ભડકેલી હિંસામાં મૈમનસિંહ જિલ્લામાં હિંદુ યુવકને બાંધીને સળગાવી દેવાની ઘટના ઘટી હતી. જોકે, આ ઘટના બાદ યુનુસ સરકાર એક્શન આવી છે અને હિંદુ યુવક દીપુ ચંદ્ર દાસની હત્યાના કેસમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે મોહમ્મદ યુનુસે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મૈમનસિંહના હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસ ની માર મારીને હત્યા કરવાના કેસમાં રેપિડ એક્શન બટાલિયન (RAB) એ સાત લોકોની શંકાસ્પદ તરીકે ધરપકડ કરી છે.
સાત લોકોની ધરપકડ કરવામાં આવી
તેમના નિવેદન મુજબ ધરપકડ કરાયેલા લોકોમાં મોહમ્મદ લિમોન સરકાર (19 ), મોહમ્મદ તારેક હુસૈન (19 ), મોહમ્મદ માણિક મિયા (20), ઇર્શાદ અલી (39), નિજુમ ઉદ્દીન (20), આલમગીર હુસૈન (38 ) અને મોહમ્મદ મિરાજ હુસૈન અકોન (46 )નો સમાવેશ થાય છે. યુનુસે જણાવ્યું હતું કે આ ધરપકડ વિસ્તારમાં RAB એકમો દ્વારા સંકલિત કાર્યવાહી બાદ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં ફરી ભડકેલી હિંસા વચ્ચે એક હિંદુ વ્યક્તિની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત મીડિયા અહેવાલ મુજબ મૈમનસિંઘ જિલ્લામાં એક ટોળા દ્વારા હિન્દુ વ્યક્તિને માર મારીને હત્યા કરવામાં આવી હતી. જેની ઓળખ દીપુ ચંદ્ર દાસ તરીકે થઈ હતી આ યુવાન કપડા ફેક્ટરીમાં કામદાર હતો. પોલીસે જણાવ્યું હતું કે તેના પર મોહમ્મદ પયગંબર વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
મૃતદેહને ઝાડ સાથે બાંધી દીધો
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, હુમલાખોરોએ રાત્રે 9 વાગ્યાની આસપાસ તેમના પર હુમલો કર્યો અને તેમને માર માર્યો. તેની બાદ તેમણે મૃતદેહને ઝાડ સાથે બાંધી દીધો અને તેને આગ લગાવી દીધી. જેની બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મૈમનસિંહ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
આ પણ વાંચો…ઈન્કિલાબ મંચના પ્રવક્તા શરીફ હાદીના આજે સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર, બાંગ્લાદેશ હાઈ એલર્ટ પર



