બાંગ્લાદેશમાં ટ્રેન હોનારતઃ 20ના મૃત્યુ, 100થી વધુ ઘાયલ…
બાંગ્લાદેશઃ બાંગ્લાદેશમાં બે ટ્રેનોની અથડામણને કારણે થયેલાં ભીષણ રેલવે અકસ્માતમાં 20ના મૃત્યુ અને 100થી વધુ જણ જખમી હોવાની માહિતી મળી રહી છે. મૃતકોનો આંકડો હજી વધી શકે છે એવી આશંકા પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે.
બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી આશરે 80 કિલોમીટર દૂર આવેલા ભૈરબ ખાતે એક પેસેન્જર ટ્રેને ગુડ્સ ટ્રેનને ટક્કર મારી હતી. બંને ટ્રેન અલગ અલગ દિશામાંથી આવી રહી હતી. અકસ્માત બાદ બંને ટ્રેનો પાટા પરથી ઉતરી ગઈ હતી. સ્થાનિક પોલીસ અધિકારી સિરાજુલ ઈસ્લામ દ્વારા આપવામાં આવેલી માહિચી અનુસાર મૃતકોનો આંકડો હજી વધી શકે છે અને ઘટનાસ્થળે રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સરકારી અધિકારીએ આપેલી માહિતી અનુસાર અમને હજી સુધી 15 મૃતદેહ મળી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોની સંખ્યા પણ 100ને પાર છે. આ બંને આંકડો હજી વધી શકે એમ છે.
એક્સિડન્ટની સાઈટ પર તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને હજી વધુ મૃતદેહ કોચની નીચે દટાયેલા હોવાની પૂરેપૂરી શક્યતા છે. બપોરે ચાર વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી. જ્યારે બે અલગ અલગ દિશામાં જતી ટ્રેનો એક જ ટ્રેક પર આવી ગઈ હતી.
બાંગ્લાદેશમાં ટ્રેન એક્સિડન્ટ ખૂબ જ સામાન્ય બાબત થઈ ગઈ છે. આ અકસ્માત પાછળ ખરાબ સિગ્નલ, બેજવાબદાર વર્તન, જુના ટ્રે અને ખરાબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે જવાબદાર હોવાની માહિતી ભૂતકાળમાં પણ સામે આવ્યા છે.