Shaikh Hasinaના ભારત આવવા પર કંગના રનૌતે કહ્યું, મુસ્લિમ દેશોમાં કોઇ સુરક્ષિત નથી
નવી દિલ્હી : બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ(Shaikh Hasina) હિંસક તોફાનો વચ્ચે દેશ છોડવો અને પછી ભારત આવવું એ હાલનો સૌથી મોટો મુદ્દો છે. તેમના 15 વર્ષના શાસનના અંત પછી દેશમાં વિરોધ ચાલી રહ્યો છે. જેના કારણે તે ત્યાંથી ભાગીને ભારત આવ્યા છે. હવે આ અંગે લોકો તરફથી વિવિધ પ્રકારના નિવેદનો આવી રહ્યા છે. લોકોને સવાલો છે કે તેણે ભાગી છૂટ્યા પછી ભારત આવવું કેમ યોગ્ય માન્યું? ત્યારે અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે શેખ હસીનાએ આ દેશને કેમ પસંદ કર્યો?
મુસ્લિમ દેશોમાં કોઈ સુરક્ષિત નથી
કંગનાએ ટ્વિટર પર શેખ હસીનાના બાંગ્લાદેશ છોડવાના સમાચાર શેર કર્યા છે. જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, “ભારત આપણી આસપાસના તમામ ઈસ્લામિક ગણરાજ્યની માતૃભૂમિ છે. અમને આનંદ અને ગર્વ છે કે બાંગ્લાદેશના વડા પ્રધાન ભારતમાં સલામતી અનુભવે છે, પરંતુ જે લોકો ભારતમાં રહે છે અને પૂછતા રહે છે કે હિન્દુ રાષ્ટ્ર કેમ? રામ રાજ્ય શા માટે? વેલ તે સ્પષ્ટ છે શા માટે. મુસ્લિમ દેશોમાં કોઈ સુરક્ષિત નથી. ખુદ મુસ્લિમો પણ નહીં. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને બ્રિટનમાં જે કંઈ થઈ રહ્યું છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણે રામ રાજ્યમાં રહીએ છીએ. જય શ્રી રામ!”
શું છે શેખ હસીનાનો મામલો?
બાંગ્લાદેશમાં હાલમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.જેના કારણે શેખ હસીનાને ભારત આવવું પડ્યું છે. તે સોમવારે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના માટે આ સમયે ભારતથી વધુ સુરક્ષિત જગ્યા કોઈ નથી કારણ કે આસપાસના પડોશી દેશોની તુલનામાં મોદી સરકાર સાથે તેમના સંબંધો વધુ સારા છે.