Bangaladeshમાં ઉપદ્રવીઓની તાલિબાની બર્બરતા, હોટલ પર હુમલો કરી આઠ લોકોને સળગાવ્યા, 500 કેદી ફરાર
બાંગ્લાદેશમાં ઉપદ્રવીઓ હવે લઘુમતી હિંદુઓ શેખ હસીના અને તેમની પાર્ટી અવામી લીગના સમર્થકો અને તેમની સંસ્થાઓને નિશાન બનાવી રહ્યા છે. જેસોર જિલ્લામાં એક હોટલમાં આગ લગાવી દીધી હતી જેમાં 8 લોકો જીવતા સળગી ગયા હતા. જે હોટલમાં આગ લાગી તે અવામી લીગના નેતા શાહીન ચકલાદારની છે. ચકલાદાર જેસોર જિલ્લાના અવામી લીગના જનરલ સેક્રેટરી છે.
84 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
ડેપ્યુટી કમિશનર અબરારુલ ઈસ્લામે આગ લાગવાના સમાચારની પુષ્ટિ કરી હતી. મૃતકોમાંથી બેની ઓળખ 20 વર્ષીય ચયન અને 19 વર્ષીય સેજાન હુસૈન તરીકે થઈ છે. જેસોર જનરલ હોસ્પિટલના કર્મચારી હારુન-યા-રશીદે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 84 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે.
500 કેદીઓને જેલમાંથી ભાગી ગયા
આ ઉપરાંત બાંગ્લાદેશની શેરપુર ડિસ્ટ્રિક્ટ જેલમાં ઉપદ્રવીઓએ હુમલો કર્યો હતો અને લગભગ 500 કેદીઓને જેલમાંથી ભાગવામાં મદદ કરી હતી. સોમવારે, કર્ફ્યુ દરમિયાન લાકડીઓ અને હથિયારો સાથે સજ્જ સ્થાનિક ટોળાએ સરઘસ કાઢ્યું હતું. આ દરમિયાન શહેરના દમદમા-કાલીગંજ વિસ્તારમાં આવેલી જિલ્લા જેલ પર ટોળાએ હુમલો કર્યો હતો. બદમાશોએ જેલનો દરવાજો તોડીને આગ લગાવી દીધી હતી.
લિટન દાસ અને મશરફી મુર્તઝાના ઘર પણ સળગાવી દેવામાં આવ્યા હતા
આ ઉપદ્રવીઓએ અવામી લીગના સાંસદ કાઝી નબીલના નિવાસસ્થાને પણ તોડફોડ કરી અને આગ લગાડી. બાંગ્લાદેશના ક્રિકેટર લિટન દાસ અને પૂર્વ કેપ્ટન મશરફે મુર્તઝાના ઘરોને પણ આગ લગાડવામાં આવી હતી. મુર્તઝા અવામી લીગનો નેતા છે. તેમણે શેખ હસીનાની પાર્ટી તરફથી જાન્યુઆરીમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી લડી અને સાંસદ બન્યા. લિટન દાસ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો વિકેટકીપર અને ઓપનર છે. તે લઘુમતી હિન્દુ સમુદાયમાંથી આવે છે.