બાંગ્લાદેશે ભારત સહિત પાંચ દેશોમાંથી રાજદૂતોને પરત બોલાવ્યા
ઢાકા: બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારત સહિત પાંચ દેશોમાંથી પોતાના રાજદૂતોને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો છે. મોહમ્મદ યુનુસ સરકારે આ અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્રમાંથી પોતાના રાજદ્વારીઓને પણ પાછા બોલાવી લીધા છે. સૂત્રોએ આ મામલે જણાવ્યું હતું કે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના વહીવટી વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશથી વિદેશ સેવાના અધિકારીઓ નારાજ છે. તેમનું કહેવું છે કે ભારતમાં હાઈ કમિશનર સહિત પાછા બોલાવવામાં આવેલા ઘણા રાજદૂતોની રાજકીય રીતે નિમણૂક કરવામાં આવી ન હતી.
ભારતમાં હાઈ કમિશનર મુસ્તફિઝુર રહેમાન ઉપરાંત, પરત બોલાવી લેવામાં આવેલા લોકોમાં ન્યુયોર્કમાં યુએનના કાયમી પ્રતિનિધિ અને ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ અને પોર્ટુગલના રાજદૂતોનો સમાવેશ થાય છે, રહેમાન સહિત પાછા બોલાવવામાં આવેલા કેટલાક રાજદ્વારીઓ આગામી મહિનામાં નિવૃત્ત થવાના હતા. બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન બાદ શેખ હસીનાના રાજીનામાં બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સબંધોમાં ખટાશ આવી છે અને તે દરમિયાન આ બાંગ્લાદેશ સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.
ઢાકામાં વચગાળાની સરકારે ગયા મહિને ન્યુયોર્કમાં સયુંક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક ગોઠવવાના સતત પ્રયાસો કર્યા છે. જો કે, યુનુસની ભારત વિરુદ્ધિ ટિપ્પણીઓ અને હસીનાના પ્રત્યાર્પણની સંભાવનાને વધારવાને લઈને ભારત નાખુશ છે.
ભારતમાં બાંગ્લાદેશના રાજદૂત મુસ્તફિઝુર રહેમાનની વાત કરીએ તો, તેઓ એક અનુભવી રાજદ્વારી છે, જેમને જુલાઈ 2022માં ભારતમાં હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તે પહેલા તેઓ જિનીવામાં સંયુક્ત રાષ્ટ્રમાં બાંગ્લાદેશના સ્થાયી પ્રતિનિધિ અને સ્વિટ્ઝરલેન્ડ અને સિંગાપુરમાં રાજદૂત રહી ચૂક્યા છે. તેમણે વિકાસ સહકારને આગળ વધારવા અને બંને પક્ષો વચ્ચે વધુ સારા સંબંધો બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
Also Read –