બાંગ્લાદેશમાં હિંદુઓની સલામતી માટે મુહમ્મદ યુનુસનું મહત્વનું પગલું, જાણો શું કહ્યું
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ફેલાયેલી અશાંતિ (Bangladesh Unrest)બાદ વચગાળાની સરકારના રચાઈ ચુકી છે. બાંગ્લાદેશમાં રાજકીય કટોકટી વચ્ચે દેશમાં અનેક હિન્દુ મંદિરો, ઘરો અને દુકાનોમાં તોડફોડની ઘટના બની હતી. જે અંગે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે (Muhammad Yunus) મંગળવારે દેશના હિન્દુ બંગાળી નેતાઓ સાથે બેઠક બોલાવી છે.
વચગાળાની સરકારે લઘુમતીઓના મંદિરોને ખંડિત કરનારા અને દેશમાં લૂંટ અને આગચંપીના હુમલાઓ કરનારાઓને સજા કરવાનું વચન આપ્યું છે. અગાઉ, મુહમ્મદ યુનુસે હુમલાની હિંદુ સ્થાનકો પર હુમલાની નિંદા કરી હતી અને આ કૃત્યને “ઘૃણાસ્પદ” ગણાવ્યું હતું.
નોબેલ પુરસ્કાર વિજેતાએ શનિવારે રંગપુર શહેરની બેગમ રોકેયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, ‘શું તેઓ (લઘુમતીઓ) આ દેશના લોકો નથી? તમે (વિદ્યાર્થીઓ) આ દેશને બચાવી શક્યા છો; શું તમે કેટલાક પરિવારોને ન બચાવી શકો? તમારે કહેવું જ જોઈએ, ‘કોઈ તેમને નુકસાન પહોંચાડી શકે નહીં. તેઓ મારા ભાઈઓ છે; અમે સાથે લડ્યા છીએ, અને અમે સાથે રહીશું.”
બે હિન્દુ સંગઠનો, બાંગ્લાદેશ હિન્દુ-બૌદ્ધ-ખ્રિસ્તી એકતા પરિષદ અને બાંગ્લાદેશ પૂજા ઉદ્જાપન પરિષદ અનુસાર, શેખ હસીનાની સરકાર પડી ત્યારથી 52 જિલ્લાઓમાં લઘુમતી સમુદાયના સભ્યો પર 205થી વધુમાં હુમલા થયા છે. શેખ હસીનાની આગેવાની હેઠળની અવામી લીગ પાર્ટી સાથે જોડાયેલા બે હિન્દુ નેતાઓ બાંગ્લાદેશમાં હિંસામાં માર્યા ગયા હતા.
રવિવારે ભારતના કેટલાક હિન્દુ સંગઠનોએ કેન્દ્ર સરકાર પાસે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની સુરક્ષા માટે પગલાં લેવાની માંગ કરી હતી. સ્વાતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારક, માનવ સેવા પ્રતિષ્ઠાન, વજ્ર દળ, યોગ વેદાંત સમિતિ, સુયશ મિત્ર મંડળ, શ્રી શિવરાજ્યભિષેક દિનોત્સવ સમિતિ, સનાતન સંસ્થા અને હિંદુ જનજાગૃતિ સમિતિ જેવી સંસ્થાઓના સભ્યોએ કેન્દ્ર સરકારને અરજી કરી હતી.