Bangladesh ની જેલોમાંથી ફરાર આંતકીઓ ભારતમાં ઘૂસવાની ફિરાફમાં, બીએસએફ એલર્ટ

નવી દિલ્હી : બાંગ્લાદેશ(Bangladesh) પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા બાદ જેલોમાંથી 1,200થી વધુ કેદીઓ ભાગી ગયા છે. આ ફરાર કેદીઓમાં ઘણા આતંકવાદીઓ પણ સામેલ છે. જે ભારત માટે આ એક નવી સમસ્યા છે. ત્યારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ એ કહ્યું છે કે આ કેદીઓ હથિયારો સાથે ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી શકે છે. મળતી માહિતી મુજબ, BSFએ દેશની સુરક્ષા એજન્સીઓને આ અંગે જાણ કરી છે. દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ(BGB) ના ઘણા અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
બંને દેશોના સરહદી દળો વિવિધ સ્તરે વાત કરી રહ્યા છે
BSFના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું છે કે વધતા સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને, બંને દેશોના સરહદી દળો વિવિધ સ્તરે વાત કરી રહ્યા છે જેથી ઘૂસણખોરોને ભારતમાં પ્રવેશતા અટકાવવા માટે વાસ્તવિક સમયની માહિતી શેર કરી શકાય. બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની વિનંતી કરતાં જણાવ્યું હતું કે, કમાન્ડન્ટ્સ, નોડલ ઓફિસર્સ, ફ્રન્ટિયર આઈજી અને બંને દળોના અન્ય સ્તરે માહિતીની આપ-લે થઈ રહી છે.
કેદીઓના ભાગી જવાની માહિતી આપી
વાતચીત દરમિયાન અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ 4096 કિલોમીટર લાંબી સરહદ તરફ ફરતા કોઈપણ ફરાર ગુનેગાર વિશે તેમના BSFને તાત્કાલિક ચેતવણી આપે. બીજીબીએ અમને પાંચ જેલો – નરસિંઘી, શેરપુર, સતખીરા, કુશ્ટિયા અને કાશિમપુરમાંથી કેદીઓના ભાગી જવાની માહિતી આપી છે.
બીએસએફ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું, અત્યારે સરકારનો સંદેશ સ્પષ્ટ છે કે કોઈ પણ વ્યક્તિને પ્રવેશવા દેવો જોઈએ નહીં. તેઓ જે પણ કહે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. BSFને એવી પણ માહિતી આપી છે કે નરસિંગી જેલમાંથી ભાગી ગયેલા 400 કેદીઓએ આત્મસમર્પણ કર્યું છે. જોકે, જમાત-એ-ઈસ્લામી અને હેફાઝત-એ-ઈસ્લામ સહિત અનેક જૂથોના કેદીઓ હજુ પણ ગુમ છે.
આતંકવાદીઓ ભારતમાં હથિયારો વેચવાનો પ્રયાસ કરી શકે છે
મળતી માહિતી મુજબ, અત્યાચારના ડરથી ભાગી ગયેલા ઘણા અપરાધીઓ પણ દેશમાં ઘૂસવાનો પ્રયાસ કરી શકે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, સીમા પાર BGB સૈનિકોની તૈનાતી ઘટી છે જ્યારે ભારતમાં BSFની તૈનાતી વધી છે. અમને શંકા છે કે જેલમાંથી ભાગી ગયેલા ગુનેગારો અને આતંકવાદીઓ ભારતમાં તેમના હથિયારો વેચવાનો પ્રયાસ કરી શકે છે.
બાંગ્લાદેશીઓ દેશ છોડીને ભાગી રહ્યા છે
નોંધનીય છે કે ઘણી જગ્યાએ ભારત-બાંગ્લાદેશ સરહદ સંપૂર્ણપણે સીલ નથી. આ વિસ્તારોમાંથી ઢોર, સોનું, દવાઓ અને માછલીના ઈંડાની દાણચોરી થાય છે. બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા અઠવાડિયાથી હિંસક વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે જેમાં 300 થી વધુ લોકો માર્યા ગયા છે. શેખ હસીનાના રાજીનામાથી વિરોધ કેટલાક અંશે શાંત થયો છે. પરંતુ હજુ પણ હિંસા ચાલુ છે.
ચાર કેસ નોંધાયા હતા
જેમાં લઘુમતીઓને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જેના કારણે ઘણા લોકો સરહદી દેશો તરફ ભાગી રહ્યા છે. બુધવાર અને ગુરુવારે ઉત્તર અને દક્ષિણ બંગાળ સરહદ પર આવા ઓછામાં ઓછા ચાર કેસ નોંધાયા હતા જેમાં બાંગ્લાદેશીઓ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.