Bangladeshમાં હિંદુ પર હિંસાને લઇને મોહમ્મદ યુનુસનું મોટું નિવેદન, કહ્યું જઘન્ય અપરાધ થયો
ઢાકા : બાંગ્લાદેશમાં(Bangladesh) સરકાર વિરોધી આંદોલન અને વધતી હિંસા અને વચ્ચે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી અને દેશ છોડીને ભાગી ગયા. હવે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર રચાઈ છે અને તેના નેતા નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસ બન્યા છે. શનિવારે, યુનુસે હિંસાગ્રસ્ત દેશમાં લઘુમતી સમુદાયો પરના હુમલાની નિંદા કરી તેમને આ હિંસાને જઘન્ય અપરાધ ગણાવી. તેમણે તમામ હિંદુ, ખ્રિસ્તી અને બૌદ્ધ પરિવારોને હુમલા અને નુકસાનથી બચાવવા માટે યુવાનોને અપીલ કરી હતી.
મોહમ્મદ યુનુસે યુવાનોને અપીલ કરી
ઢાકાના એક અખબારના અહેવાલ મુજબ નોબેલ પારિતોષિક વિજેતા યુનુસે વિરોધ પ્રદર્શનમાં મોખરે રહેલા વિદ્યાર્થીઓને ચેતવ્યા કે તમારી પ્રગતિને નબળી પાડનારા લોકોનો હાથો ના બનો. રંગપુર શહેરની બેગમ રોકેયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું, તમારી સફળતાને નિરર્થક બનાવવા માટે ઘણા લોકો પ્રયાસ કરી રહ્યા છે તેવા લોકોથી દૂર રહો.
લઘુમતી સમુદાયો પરના હુમલાની સ્પષ્ટપણે નિંદા કરી
યુનુસે દેશમાં લઘુમતી સમુદાયો પરના હુમલાની સ્પષ્ટપણે નિંદા કરી અને આ કૃત્યોને જઘન્ય ગણાવ્યા. યુનુસે કહ્યું શું તેઓ આ દેશના લોકો નથી. તેમણે યુવાનોને કહ્યું કે તમે દેશને બચાવવા સક્ષમ છો અને અનેક પરિવારોને સુરક્ષા પણ આપી શકો છો. તમારે કહેવું પડશે તમે આ લોકોને નુકસાન નહીં પહોંચાડી શકો આ અમારા ભાઈ છે અમે સાથે લડ્યા છે અને સાથે રહીશું.
બાંગ્લાદેશ હવે તમારા હાથમાં છે
યુવા નેતૃત્વના મહત્વ પર ભાર મૂકતા યુનુસે કહ્યું, આ બાંગ્લાદેશ હવે તમારા હાથમાં છે. તમારી પાસે તેને ધારો ત્યાં લઈ જવાની શક્તિ છે. આ તમારી આંતરિક શક્તિ છે. તેમણે શેખ હસીના સરકારના વિરોધ આંદોલન દરમિયાન વિદ્યાર્થી કાર્યકર્તા અબુ સઈદના નેતૃત્વના વખાણ કરી તેનું અનુકરણ કરવા પણ યુવાનોને જણાવ્યું હતું.