બાંગ્લાદેશમાં હિન્દુ વેપારીની હથિયારના ઘા ઝીંકીને હત્યા, 24 કલાકમાં બીજો બનાવ

ઢાકાઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારની ઘટના સતત વધી રહી છે. સોમવારે રાત્રે વધુ એક હિન્દુની હત્યા કરવામાં આવી હતી. જેની સાથે આંકડો છ પર પહોંચ્યો છે. હિન્દુઓ પર થતા અત્યાચારને લઈ બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષાને લઈ ગંભીર સવાલ ઉભા થયા છે.
મળતી વિગત પ્રમાણે, 5 જાન્યુઆરીએ રાત્રે 10 કલાકે ચોરસિંદૂર બજારમાં કરિયાણાની દુકાન ચલાવતાં વેપારી મોની ચક્રવર્તી પર અજાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. સ્થાનિકો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મોની ચક્રવર્તી એક જાણીતો વેપારી હતી.
મોની ચક્રવર્તીની હત્યા પહેલા બાંગ્લાદેશમાં પત્રકાર રાણા પ્રતાપ બૈરાગીની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જશોર જિલ્લાના મનીરામપુર વિસ્તારમાં સોમવારે સાંજે આશરે 6 કલાકે પ્રતાપની હત્યા કરવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર હુમલાખોરો મોટર સાયકલ લઈને આવ્યા હતા અને તેને બરફની ફેક્ટરી બહાર બોલાવીને નજીકની ગલીમાં લઈ ગયા હતા. જ્યાં બોલાચાલી બાદ માથામાં ગોળી મારી હતી.

બાંગ્લાદેશમાં વધ્યો સાંપ્રદાયિક તણાવ
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના છ લોકોની હત્યા થઈ ચુકી છે. તેમાં મોની અને રાણા પ્રતાપ ઉપરાંત દીપુ દાસ, અમૃત મંડલ, બ્રજન્દ્ર વિશ્વાસ અને ખોકોન દાસ સામેલ છે. સતત થઈ રહેલી હત્યાઓના કારણે બાંગ્લાદેશમાં સાંપ્રદાયિક તણાવ વધી રહ્યો છે. હિન્દુ સમુદાયમાં ભયનો માહોલ છે અને લોકો સરકાર પાસે સુરક્ષાની માંગ કરી રહ્યા છે.
હિન્દુઓમાં ફફડાટ
વિવિધ સંગઠનો મુજબ, જો હાલ કોઈ કડક પગલાં નહીં લેવામાં આવે તો સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. હાલ મામલાની તપાસ ચાલુ છે પરંતુ અત્યાર સુધી કોઈની ધરપકડની પુષ્ટિ થઈ નથી. છેલ્લા કેટલાક અઠવાડિયામાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના બનાવ સતત વધી રહ્યા છે, જેના કારણે બાંગ્લાદેશમાં વસતા 1.3 કરોડ હિન્દુઓમાં ફફડાટ ફેલાયો છે.



