બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા ફરી હિંસા: હિન્દુ વેપારીની કુહાડીના ઘા ઝીંકી કરી હત્યા

ઢાંકા: બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીના આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે ફરી એકવાર લઘુમતી હિન્દુ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો છે. દેશમાં સુરક્ષાના દાવાઓ વચ્ચે રવિવારે યોજાનારી ચૂંટણીના માત્ર 48 કલાક પહેલા બનેલી આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એક વાર ચિંતા જન્માવી છે. રાજકીય અસ્થિરતા અને ચૂંટણીના ગરમાવા વચ્ચે નિર્દોષ હિન્દુ વેપારીની હત્યાએ લઘુમતીઓની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
આ ચકચારી ઘટના મૈમનસિંગ જિલ્લાના ત્રિશાલ ઉપજિલ્લામાં સોમવારે રાત્રે આશરે 11 વાગ્યાની આસપાસ બની હતી. દક્ષિણકાંડા ગામના રહેવાસી અને ‘મેસર્સ ભાઈ ભાઈ એન્ટરપ્રાઈઝ’ ના માલિક સુશેન ચંદ્ર સરકાર પોતાની ચોખાની દુકાને એકલા હતા. આ તકનો લાભ ઉઠાવી અજાણ્યા હુમલાખોરો દુકાનમાં ઘૂસી ગયા હતા અને કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી તેમના પર હુમલો કર્યો હતો. નિર્મમ હત્યા કર્યા બાદ આરોપીઓ વેપારીના મૃતદેહને દુકાનની અંદર જ છોડી, શટરને તાળું મારી ફરાર થઈ ગયા હતા.
ચૂંટણી પહેલા થયેલી આ લક્ષિત હત્યા (Targeted Killing) ને કારણે સ્થાનિક હિન્દુ સમુદાયમાં ભારે રોષ અને દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. હિન્દુ નેતાઓએ આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી છે અને આરોપ લગાવ્યો છે કે અંતરિમ સરકાર લઘુમતીઓના જાન-માલની રક્ષા કરવામાં નિષ્ફળ રહી છે. છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર સતત હુમલા, લિંચિંગ અને ગોળીબારની ઘટનાઓ વધી રહી છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ શાંતિ છવાયેલી છે.
ત્રિશાલ પોલીસ સ્ટેશનના અધિકારી (OC) મોહમ્મદ ફિરોઝ હુસૈને ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. હાલ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે અને સ્થાનિકોની પૂછપરછ ચાલી રહી છે. હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી, પરંતુ પોલીસ હત્યારાઓને પકડવા માટે વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. ચૂંટણીના માહોલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.



