ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા સાંપ્રદાયિક ન હતાં! યુનુસ સરકારનો દાવો

ઢાકા: બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન અને ત્યાર બાદની રાજકીય ઉથલપાથલ દરમિયાન લધુમતી હિંદુ સમુદાયના લોકો પર હુમલાના ઘણા અહેવાલો (Attack on Hindus in Bangladesh) જાહેર થયા છે. આ હુમલા રોકવામાં નિષ્ફળ રહેવા બદલ મોહમદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારની આંતરાષ્ટ્રીય સ્તરે ટીકા થઇ રહી છે. એવામાં યુનુસે ફરી એક વાર હિન્દુઓ પરના હુમલાઓને અવગણવાનો પ્રયાસ કર્યો છે. બાંગ્લાદેશની સરકારે લઘુમતીઓ પરના હુમલાઓને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા છે. શનિવારે પોલીસ રિપોર્ટને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે હુમલાઓ સાંપ્રદાયિક ન હતાં. બાંગ્લાદેશ પોલીસે લઘુમતી સમુદાયના સંપર્કમાં રહેવા અને સાંપ્રદાયિક હિંસાની સીધી ફરિયાદો મેળવવા માટે એક વોટ્સએપ નંબર બહાર પાડ્યો છે. વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની પ્રેસ વિભાગે એક નિવેદન બહાર પાડીને આ માહિતી આપી છે.

બાંગ્લાદેશમાં, છેલ્લા કેટલાક મહિનામાં, હિન્દુઓ સહિત અન્ય લઘુમતી સમુદાયો પર અનેક હુમલાઓ થયા છે અને તેમના ઘરો અને ધાર્મિક સ્થળોમાં તોડફોડ અને આગ લગાડવાની ઘટનાઓ પણ બની છે. ભારતે આ ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

આટલા કેસ નોંધાયા:
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશ હિન્દુ-બૌદ્ધ-ખ્રિસ્તી એકતા પરિષદ દ્વારા કરવામાં આવેલા દાવા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. એક દાવા મુજબ, ગયા વર્ષે અનામત વિરોધી આંદોલન વચ્ચે પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાના દેશ છોડવાના એક દિવસ પહેલા (5 ઓગસ્ટ)થી આ વર્ષે 8 જાન્યુઆરી સુધી સાંપ્રદાયિક હિંસાના 2,010 બનાવો નોંધાયા છે. નિવેદન અનુસાર, આ ઘટનાઓમાંથી 1,769 હુમલા અને તોડફોડ સાથે સંબંધિત હતી, અને ઉમેર્યું હતું કે પોલીસે અત્યાર સુધીમાં દાવાઓના આધારે કુલ 62 કેસ નોંધ્યા છે અને તપાસના આધારે 35 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

હુમલા સાંપ્રદાયિક ન હતાં:
નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે મોટાભાગના કિસ્સાઓમાં હુમલાઓ સાંપ્રદાયિક નહોતા પરંતુ રાજકીય રીતે પ્રેરિત હતા. નિવેદન કહેવામાં આવ્યું છે કે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે 1,234 ઘટનાઓ રાજકીય રીતે પ્રેરિત હતી. 20 ઘટનાઓ સાંપ્રદાયિક હતી અને 161 દાવા ખોટા કે બનાવટી હતા.

Also read: ‘બાંગ્લાદેશમાં હિંદુ સુરક્ષિત છે, અફવા ફેલાવવાનું બંધ કરો’ બાંગ્લાદેશના હિન્દુ નેતાનું નિવેદન

નિવેદન અનુસાર, કાઉન્સિલના દાવા મુજબ, 5 ઓગસ્ટ, 2024 ના રોજ જ્યારે હસીના સરકારને પડી ભાંગી પડી, ત્યારે 1,452 ઘટનાઓ (કુલ ઘટનાઓના 82.8 ટકા) બની હતી. 4 ઓગસ્ટના રોજ 65 ઘટનાઓ બની હતી અને 6 ઓગસ્ટના રોજ 70 ઘટનાઓ બની હતી. મોહમ્મદ યુનુસ સરકારે એમ પણ કહ્યું કે દેશમાં સાંપ્રદાયિક હુમલાઓ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ છે. તેમણે પોલીસને આરોપીની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વચગાળાની સરકારે પીડિતો માટે વળતરની પણ જાહેરાત કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button