Bangladesh માં મહિલા પત્રકારને કટ્ટરપંથીઓએ ઘેરી, ભારતીય એજન્ટ ગણાવી કર્યો હુમલો
ઢાકા : બાંગ્લાદેશમાં(Bangladesh)હિંદુઓ પર સતત થઈ રહેલા હુમલા વચ્ચે ઢાકામાં એક મહિલા પત્રકારને ટોળાએ ઘેરી લીધી હતી અને થોડા સમય માટે બંધક બનાવી હતી. જોકે, પોલીસે તેને ભીડથી બચાવી હતી. આ ઘટના શનિવારે ઘટી હતી. જેમાં મહિલા પત્રકાર મુન્ની સાહા એક મીડિયા કંપનીની ઓફિસમાંથી બહાર નીકળી રહી હતી. ત્યારે ટોળાએ મુન્ની સાહા પર ભારતીય એજન્ટ અને પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના સમર્થક હોવાનો આરોપ લગાવ્યો હતો.
ધરપકડની ઓનલાઈન અટકળોને વેગ મળ્યો
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પત્રકાર મુન્ની સાહાની કારને ટોળાએ રોકી હતી અને તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. જેના કારણે ઢાકા મેટ્રોપોલિટન પોલીસને દરમિયાનગીરી કરવા જણાવ્યું હતું. સાહા પોલીસની કારમાં સ્થળ પરથી નીકળી ગઇ. ત્યારે ભીડ તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતી રહી. સાહાને પહેલા તેજગાંવ પોલીસ સ્ટેશન અને ત્યાંથી ઢાકા મેટ્રોપોલિટન ડિટેક્ટીવ બ્રાન્ચની ઓફિસ લઈ જવામાં આવી હતી. જેના લીધે તેની ધરપકડ કરવામાં આવી હોવાની ઓનલાઈન અટકળોને વેગ મળ્યો હતો.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ સાધુની ધરપકડ; હિંદુ સમુદાય આકરા પાણીએ…
સુરક્ષા કારણોસર ડિટેક્ટિવ બ્રાન્ચની ઓફિસમાં લઇ જવાઇ
જો કે, પોલીસે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે વરિષ્ઠ પત્રકાર મુન્ની સાહાની અટકાયત કરવામાં આવી ન હતી.રવિવારે સવારે મુક્ત કરવામાં આવી હતી. સાહાએ કહ્યું કે જ્યારે ભીડે તેને ઘેરી લીધી હતી ત્યારે તે ગભરાઈ ગઇ હતી. એક પોલીસ અધિકારીએ મીડિયાએ જણાવ્યું હતું કે ‘પોલીસે મુન્ની સાહાને કસ્ટડીમાં લીધી નથી. કાવરન માર્કેટમાં લોકોના ટોળાએ તેને ઘેરી લીધી હતી. સુરક્ષા કારણોસર તેજગાંવ પોલીસ તેને ડિટેક્ટિવ બ્રાન્ચની ઓફિસમાં લઇ ગઈ હતી.