Bangladesh Election: હિંસા, આગચંપી, તોડફોડ, બહિષ્કાર વચ્ચે બાંગ્લાદેશમાં આજે મતદાન, શેખ હસીના ચોથી વખત સત્તા સંભાળશે?
![Prime Minister Sheikh Hasina casts her vote in the 2024 Bangladesh elections.](/wp-content/uploads/2024/01/Prime-Minister-Sheikh-Hasina-casts-her-vote-in-the-2024-Bangladesh-elections.webp)
ઢાકા: બાંગ્લાદેશમાં આજે 7 જાન્યુઆરીના રોજ સામાન્ય ચૂંટણીમાટે મતદાન થઇ રહ્યું છે. પરંતુ ચૂંટણી પહેલા જ રાજકીય હરીફાઈ ઘણી રસપ્રદ બની ગઈ છે. બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટીએ શનિવારે 48 કલાકની હડતાલ શરૂ કરી દીધી છે. ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના નેતૃત્વમાં મુખ્ય વિપક્ષીદળ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી(BNP) અને અન્ય વિપક્ષી જૂથો ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે, તેઓનું કહેવું છે કે તેઓ વડા પ્રધાન શેખ હસીનાના રાજમાં ચૂંટણીની નિષ્પક્ષતાની ખાતરી થઇ શક્તિ નથી. જે સતત ચોથી વખત સત્તામાં આવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બાંગ્લાદેશના મુખ્ય ચૂંટણી કમિશનર કાઝી હબીબુલ અવલે કહ્યું હતું કે દેશમાં સામાન્ય ચૂંટણી રવિવારે યોજાશે. મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. દેશભરમાં 42,000થી વધુ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. મતપેટીઓ મતદાન મથકો પર મોકલી દેવામાં આવી છે. અમે ઈચ્છીએ છીએ કે અમારી ચૂંટણી માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જોવામાં આવે.
વિપક્ષી પાર્ટી BNP એ હડતાલનું આહ્વાન કર્યું હતું અને અપીલ કરી હતી કે વધુને વધુ લોકો બહિષ્કારમાં જોડાય. આ સાથે BNPએ ચૂંટણીમાં વિક્ષેપ પાડવાની પણ વાત કરી છે. શનિવારે સવારે, પાર્ટીના સમર્થકોએ રાજધાની ઢાકાના શાહબાગ વિસ્તારમાં કૂચ કરી અને લોકોને હડતાળમાં જોડાવા માટે અપીલ કરી.
BNPના સંયુક્ત મહાસચિવ રૂહુલ કબીર રિઝવીએ વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની તેમની પાર્ટીની માંગને પુનરાવર્તિત કરી અને ચૂંટણીને અયોગ્ય ગણાવી. તેમણે કહ્યું કે સરકાર ફરીથી આગ સાથે રમી રહી છે. સરકારે એકતરફી ચૂંટણી કરાવવાની પોતાની જૂની વ્યૂહરચના અપનાવી છે.
બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા ઘણી હિંસક ઘટનાઓ બની છે. જેના કારણે ચૂંટણી પ્રચાર પર પણ અસર પડી છે. ગત ઓક્ટોબર મહિનામાં હિંસા થઈ હતી, જેમાં 15 લોકો માર્યા ગયા હતા. તાજેતરમાં શુક્રવારે રાત્રે રાજધાની ઢાકામાં એક ટ્રેનમાં આગ લાગવાની ઘટનામાં 5 લોકોના મોત થયા હતા, જેના કારણે મતદાન પહેલા હિંસા થવાની આશંકા વધી ગઈ છે.
જોકે તંત્રએ કોઈ જૂથ અથવા રાજકીય પક્ષ પર આગ લગાવવાનો આરોપ લગાવ્યો નથી, પરંતુ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જેઓ ચૂંટણીમાં વિક્ષેપ પાડવા માંગતા હતા તેઓએ આ કૃત્ય કર્યું હતું. જોકે, BNPના રિઝવીએ આ હિંસા માટે સરકારને જવાબદાર ઠેરવી હતી.
વિદેશ મંત્રી એ.કે. અબ્દુલ મોમેને શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચૂંટણીના એક દિવસ પહેલા હુમલાનો સમય લોકતાંત્રિક પ્રક્રિયાને અવરોધવા માટે હતો. તેમણે કહ્યું કે નિઃશંકપણે દુર્ભાવનાપૂર્ણ ઈરાદાવાળા લોકો દ્વારા કરવામાં આવેલી આ નિંદનીય ઘટના આપણા લોકતાંત્રિક મૂલ્યોના મૂળ પર પ્રહાર કરે છે.
સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે શુક્રવારથી ઢાકાની બહાર પાંચ મતદાન મથકોને નિશાન બનાવી આગ લગાવવામાં આવી છે. જોકે, પોલીસે તેને તોડફોડનું કૃત્ય ગણાવ્યું છે. ચૂંટણી પંચે અધિકારીઓને મતદાન મથકોની આસપાસ સુરક્ષા વધારવા માટે કહ્યું છે.