બાંગ્લાદેશના સંકટ પરથી ભારતીય નેતાઓએ શીખવું જોઈએ: સંજય રાઉતે કોના પર તાક્યું નિશાન?
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા અને તણાવ વચ્ચે શેખ હસીના (Sheikh Hasina) વડા પ્રધાન પદેથી રાજીનામું આપી વિદેશ ભાગી ગયા છે, હાલ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર રચવાની તૈયારીઓ ચાલી રહી છે. રિઝર્વેશન ક્વોટા સિસ્ટમ બાબતે ગયા મહિને શરૂ થયેલું સરકાર વિરોધી આંદોલન સોમવારે ચરમસીમાએ પહોંચ્યું છે. પાડોશી દેશના ઘટનાક્રમ પર ભારતમાં પણ ચર્ચા થઇ રહી છે.
બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ(Bangladesh Violence)ને અંગે ભારતમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) પણ બાંગ્લાદેશની સ્થિતિ પર ટિપ્પણી કરી છે. સંસદ સંકુલની બહાર મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે શેખ હસીનાને વડાપ્રધાન તરીકે નિષ્ફળ ગણાવ્યા અને તેમના પર બાંગ્લાદેશને સરમુખત્યારશાહી રીતે ચલાવવાનો આરોપ લગાવ્યો.
હસીના અને બાંગ્લાદેશની સ્થિતિ અંગેના પ્રશ્નના જવાબમાં સંજય રાઉતે કહ્યું કે, ‘શેખ મુજીબુર રહેમાન અને તેમના પરિવારે ભારત સાથે સારા સંબંધો જાળવી રાખ્યા છે. ઈન્દિરા ગાંધીના કારણે જ પાકિસ્તાનના બે ભાગલા પડ્યા અને બાંગ્લાદેશનું નિર્માણ થયું. શેખ મુજીબુર રહેમાનની હત્યા કરવામાં આવી હતી. પરંતુ શેખ હસીના વિશે એટલું કહી શકાય કે તેમણે લોકશાહીની આડમાં સરમુખત્યારશાહી ચલાવી. લોકશાહીના નામે સરમુખત્યારશાહી ચલાવનારા અને દેશની આઝાદીને જોખમમાં મૂકનારાઓને દેશની જનતા માફ કરતી નથી. બાંગ્લાદેશમાં જે બન્યું તેનાથી આપણા દેશના નેતાઓએ બોધપાઠ લેવો જોઈએ.’
તેમણે કહ્યું, ‘બાંગ્લાદેશમાં ભારત જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યાં વિપક્ષનો અવાજ દબાવવામાં આવ્યો, ચૂંટણીમાં ગોટાળા થયા. વિપક્ષ નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. ઘણા લોકો માર્યા ગયા. સંસદમાં અનિચ્છનીય કાયદા પસાર કરવામાં આવ્યા હતા. લોકો મોંઘવારીથી ત્રસ્ત હતા. આમ, શેખ હસીના વડા પ્રધાન તરીકે નિષ્ફળ ગયા. લોકશાહી સિદ્ધાંતોની આડમાં તેમણે સરમુખત્યારશાહી રીતે દેશ ચલાવ્યો. ભારતના શાસકોએ પણ તેની અસર વિશે વિચારવું જોઈએ.’
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ ઉદિત રાજે બાંગ્લાદેશ સંકટ પર કહ્યું, ‘આ માત્ર બાંગ્લાદેશનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો મામલો છે. ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે હિન્દુઓ ત્યાં અસુરક્ષિત છે. આની પાછળ ISI અને ચીનનો હાથ છે. જો ભાજપના નેતાઓ જે કહે છે તે સાચું હોય તો તે આપણું ઈન્ટેલીજન્સ ફેલ્યોર છે. આપણને કેમ કંઈ ખબર ન પડી? આ મોદી સરકારની વિદેશ નીતિની નિષ્ફળતા છે. આપણા વિદેશ મંત્રી શું કરી રહ્યા હતા?”