ઇન્ટરનેશનલ

શેખ હસીનાને ફાંસીની સજાના ચુકાદાથી ફરી બાંગ્લાદેશ સળગ્યું: હિંસામાં 2નાં મોત

ઢાકા (બાંગ્લાદેશ): બાંગ્લાદેશની ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને ગયા વર્ષે થયેલી હિંસાના સંબંધમાં ‘આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાધિકરણ’ દ્વારા સામૂહિક હત્યા અને માનવતા વિરુદ્ધના અપરાધો બદલ ફાંસીની સજા સંભળાવ્યા બાદ પાડોશી દેશમાં ફરીથી તણાવ અને હિંસા ફાટી નીકળી છે.

ચુકાદાના સમાચાર આવતા જ આવામી લીગના સમર્થકો ઢાકાના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે અનેક જગ્યાએ લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને આંસુ ગેસના ગોળા છોડવા પડ્યા હતા. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ હિંસામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

આ સજાને આવામી લીગે રાજકીય બદલાની કાર્યવાહી ગણાવી છે. પાર્ટીનું કહેવું છે કે ન્યાયાધિકરણ દ્વારા આ નિર્ણય મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર અને સેનાના ઇશારે લેવામાં આવ્યો છે. આ ચુકાદાના વિરોધમાં આવામી લીગે તાત્કાલિક અસરથી બે દિવસના રાષ્ટ્રવ્યાપી બંધનું આહ્વાન કર્યું છે.

વચગાળાની સરકારે તણાવની આશંકાના પગલે ઢાકામાં અગાઉથી જ પોલીસ અને સૈન્ય દળોની મોટી સંખ્યામાં તૈનાતી કરી દીધી હતી. જોકે, સોમવારે નિર્ણય જાહેર થયા પછી તણાવમાં વધારો થયો હતો અને વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસના નિવાસસ્થાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

શેખ હસીનાએ આ ચુકાદાને રાજકીય ઉદ્દેશથી પ્રેરિત અને સંપૂર્ણ પક્ષપાતી ગણાવીને તમામ આરોપોને નકારી કાઢ્યા છે, જ્યારે મોહમ્મદ યુનુસે કહ્યું છે કે આ નિર્ણય સાબિત કરે છે કે કાયદાથી ઉપર કોઈ નથી અને આ પગલું લોકતાંત્રિક સંસ્થાઓને મજબૂત કરશે.

આ ચુકાદાને પગલે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારત સરકારને શેખ હસીના અને અસદુઝ્ઝમાન ખાન કમાલના પ્રત્યાર્પણ માટે ઔપચારિક વિનંતી મોકલવાની જાહેરાત કરી છે. વિદેશ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને સ્પષ્ટ કર્યું છે કે માનવતા વિરુદ્ધના ગુનામાં દોષિત ઠરેલા વ્યક્તિઓને આશ્રય આપવો એ કોઈ પણ દેશનું અ-મૈત્રીપૂર્ણ પગલું ગણાશે.

આ માટે બંને દેશો વચ્ચે થયેલી 2016ની પ્રત્યાર્પણ સંધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પ્રત્યાર્પણની વિનંતી ઢાકા સ્થિત ભારતીય હાઈ કમિશન અથવા નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશન મારફતે મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શેખ હસીના વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાધિકરણમાં અન્ય ત્રણ કેસ પણ પેન્ડિંગ છે, જેના પર નિર્ણય આવવાનો બાકી છે.

આ પણ વાંચો…બાંગ્લાદેશે ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે માંગ કરી! ભારતે શું જવાબ આપ્યો…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button