બાંગ્લાદેશમાં ટોળાને હિંદુ સગીરની પોલીસ સ્ટેશનમાં જ હત્યા કરી, સંસ્થાનો દાવો
ઢાકા: બાંગ્લાદેશમાં હિંસા (Bangladesh Violence) વચ્ચે લઘુમતી હિંદુ સમુદાય પર અત્યાચાર(Attacks against Hindu)ના અનેક આહેવાલો મળ્યા હતા. હવે બાંગ્લાદેશની વચગાળાની સરકાર હિંદુઓની સલામતીના દાવા કરી રહી છે. એવામાં પોલીસ સ્ટેશનમાં જ 15 વર્ષીય હિન્દુ સગીરની હત્યા કરવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે.
એક અહેવાલ મુજબ સોશિયલ મીડિયા પર પ્રોફેટ મોહમ્મદ વિશે વાંધાજનક ટિપ્પણીઓ કરવાના આરોપ બદલ 15 વર્ષીય હિન્દુ છોકરાની ધરપકડ કરવામાં આવી હતી. ખુલના શહેરના એક પોલીસ સ્ટેશનની અંદર સગીરને ટોળા દ્વારા માર મારવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી.
હ્યુમન રાઇટ્સ કોંગ્રેસ ફોર બાંગ્લાદેશ લઘુમતી (HRCBM) એ X પર એક પોસ્ટમાં જણાવ્યું કે “બાંગ્લાદેશના ખુલના શહેરમાં ઇસ્લામવાદીઓ દ્વારા કોલેજના વિદ્યાર્થી ઉત્સવ મંડોલની હત્યા કરવામાં આવી હતી. તેની સામે આરોપો હતા કે તેણે સોશિયલ મીડિયા પર ઈશનિંદા ભર્યું નિવેદન આપ્યું હતું. ફોરેન્સિક પુરાવા વિના તેને પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને ટોળાએ તેને પોલીસ સ્ટેશનમાં જ માર માર્યો હતો, ત્યાં આર્મીના કર્મચારીઓ પણ હાજર હતા, ”
જો કે, સ્વતંત્ર રીતે આ દાવાની પુષ્ટિ થઇ શકી નથી.
HRCBM વધુમાં જણાવ્યું કે “મોબ લિંચિંગનું આ કૃત્ય માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. જેમણે આ ગુનો કર્યો છે તેઓને કોઈ સજા થઇ નથી. બાંગ્લાદેશની લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓને પણ આ કેસમાં ગુનેગાર ગણવામાં આવી શકે છે કારણ કે તેમની નજર સામે ક્રૂર અપરાધ થયો છે. કેટલાક બેશરમ બાંગ્લાદેશી મીડિયા પણ ઘૃણાસ્પદ નિવેદનો ફેલાવે છે કે આ ઘટના થઇ જ નથી. અમને ખાતરી છે કે એજન્સીઓમાં પરિવારને બળજબરીથી ગાયબ કરશે અથવા આ લિંચિંગ વિશે જૂઠાણું અને છેતરપિંડી ફેલાવશે.”
HRCBM એ દાવો કરે છે કે તે બાંગ્લાદેશમાં લોકોના માનવાધિકારના રક્ષણ માટે સમર્પિત વિશ્વવ્યાપી ઝુંબેશ ચળવળ માટેનું પ્લેટફોર્મ છે.
બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે દેશમાં હિંદુઓ પરના હિંસક હુમલા અંગે ભારતની ચિંતાઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે લઘુમતી હિંદુઓ પર હુમલાના અહેવાલો “અતિશયોક્તિપૂર્ણ” છે.
તેમણે એમ પણ કહ્યું કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પરના હુમલા સાંપ્રદાયિક કરતાં વધુ રાજકીય છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન કહ્યું હતું કે તેમને આશા છે કે પડોશી દેશમાં સ્થિતિ જલ્દી સામાન્ય થઈ જશે.