બાંગ્લાદેશમાં નથી અટકી રહ્યાં હિંદુઓ પર અત્યાચાર, હિંદુ વેપારીની હત્યા બાદ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા

ઢાકા : બાંગ્લાદેશમાં હજુ પણ સતત હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યાં છે. જેમાં હાલમાં જ ભંગારના વેપારીની હત્યા બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશના હાલ વચગાળાની યુનુસ સરકાર છે અને તેની પર અલ્પસંખ્યકોના રક્ષણમાં નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપો સતત થઈ રહ્યા છે. આ ઘટનામાં ખંડણીખોરોએ જૂના ઢાકા વિસ્તારમાં મિટફોર્ડ હોસ્પિટલની સામે ભંગારના વેપારી લાલચંદ સોહાગને માર મારીને હત્યા કરી દીધી હતી. તેમજ સોશિયલ મીડિયા પર એક વીડિયો પ્રકાશમાં આવ્યો છે. જેમાં હુમલાખોરો સોહાગને માર્યા બાદ નાચતા જોવા મળે છે.
સરકાર ટોળાની હિંસા રોકવામાં નિષ્ફળ
પોલીસે ભંગારના વેપારી લાલચંદ સોહાગની હત્યાના સંદર્ભમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. જેમાંથી બે ગેરકાયદે હથિયારો લઈને આવ્યા હતા. બુધવારે આ ઘટનાનો વિરોધ કરવા માટે વિદ્યાર્થીઓએ રાજધાની ઢાકામાં અનેક યુનિવર્સિટી કેમ્પસમાં રેલીઓ કાઢી હતી. વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે વચગાળાની સરકાર ટોળાની હિંસા રોકવામાં નિષ્ફળ ગઈ છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હિંદુ યુવતી પર સામૂહિક દુષ્કર્મ! નરાધમોએ વીડિયો બનાવી વાયરલ કર્યો, પોલીસે 3 જણને દબોચ્યા
બીએનપી કાર્યકરો પર હત્યાનો આરોપ
સ્થાનિક મીડિયા મુજબ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી યુથ ફ્રન્ટના કાર્યકરો પર લાલચંદની હત્યાનો આરોપ છે. લાલચંદ અગાઉ આ સંગઠનનો સભ્ય હતો. તેમજ બીએનપીએ સ્પષ્ટતા કરી કે લિંચિંગમાં સામેલ ચાર કાર્યકરોને પક્ષમાંથી તાત્કાલિક હાંકી કાઢવામાં આવ્યા છે.